અમેઠીઃ પ્રતિષ્ઠિત અમેઠી બેઠકનાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પોતાના માટે બંગલો બનાવવા માટે શહેરમાં જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. એ પછી તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ઇતિહાસ સાક્ષી છે કે અમેઠીના સંસદસભ્ય ક્યારેય અહીં મકાન બનાવીને અહીં નથી રહ્યા. અમેઠીના લોકોને હંમેશાં આશ્ચર્ય રહ્યું છે કે તેમના સંસદસભ્ય પોતાનું ઘર બનાવ્યા પછી અહીં રહેશે કે કેમ? એમ તેમણે પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું હતું. ઇરાનીએ તત્કાલીન સંસદસભ્ય રાહુલ ગાંધીને અમેઠીમાંથી 2019ની લોકસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા.
મેં લોકસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે હું અહીં ઘર બનાવીશ અને અહીંથી જ બધાં કામ કરીશ. જેના માટે મેં ખરેદેલી જમીનની નોંધણી થઈ ગઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અમેઠીના ગૌરીગંજના મેદાનના મવઈ ક્ષેત્રમાં રૂ. 12 લાખની રકમમાં તેમણે જમીન ખરીદી છે અને એની નોંધણી કરાવી છે. હું અત્યાર સુધી ભાડેના મકાનમાં રહેતી હતી. હું મારા ઘરના ભૂમિ પૂજનમાં મારા વિધાનસભા ક્ષેત્રના બધા લોકોને આમંત્રિત કરીશ. મે શહેર માટે એક બાયપાસ રસ્તો અને અમેઠીમાં એક મેડિકલ કોલેજ અને એક આર્મી સ્કૂલ સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. મેં અત્યાર સુધીનાં તમામ વચનો પૂરાં કર્યાં છે, એમ તેમણે કહ્યું હતું.