યોગ્ય સંશોધન વગર ‘વન નેશન-વન ઈલેક્શન’ શક્ય નથી: ચૂંટણી કમિશનર

નવી દિલ્હી- સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવાની માગણીએ ફરી એકવાર જોર પકડ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દે વિધિ આયોગને પત્ર લખતા ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે. હવે આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતની ટિપ્પણી પણ સામે આવી છે. ઓ.પી. રાવતે જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી શક્ય નથી.મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, જો ચૂંટણી તબક્કાવાર કરવામાં આવે તો અનેક રાજ્યોની ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી સાથે કરાવવી શક્ય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જો કાયદામાં સંશોધન કરવામાં આવે અને મશીનો પુરતા પ્રમાણમાં હોય તેમજ સુરક્ષા કર્મચારીઓ જરુરિયાત મુજબ મળી રહે તો ‘વન નેશન-વન ઈલેક્શન’ અમલમાં મુકી શકાય.

આ સંદર્ભમાં ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, જો રાજ્ય વિધાનસભાઓ સહમત થાય તો એકસાથે ચૂંટણી કરવી શક્ય છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર આગામી વર્ષે લોકસભાની ચૂંટણી સાથે 10-11 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી કરાવવા પ્રયાસ કરી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કાયદામાં સંશોધન કર્યા વિના સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી જણાઈ રહી.

મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું કે, એક સાથે ચૂંટણી કરાવવાને લઈને ચૂંટણી પંચે વર્ષ 2015માં વ્યાપક સૂચનો આપ્યા હતા. ચૂંટણી પંચ જણાવી ચુક્યું છે કે, આ માટે બંધારણ અને પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટમાં કેવા પ્રકારના સુધારા કરવા પડશે. ઓ.પી. રાવતે જણાવ્યું કે, આ સુધારા કર્યા બાદ અન્ય જરુરિયાતો જેવી કે, પર્યાપ્ત વોટીંગ મશીનો અને વધારે પ્રમાણમાં સુરક્ષા કર્માચારીઓ જરુરિયાતો અંગે પણ માહિતગાર કરવામાં આવશે.