વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો; કહ્યું, ‘દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે’

નવી દિલ્હી – આજે ભારત દેશ તેની આઝાદીની ૭૨મી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્રેના ઐતિહાસિક લાલ કિલ્લા પર સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તિરંગાને સલામી આપી હતી અને ત્યારબાદ દેશને સંબોધિત કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી પહેલા વડા પ્રધાન તરીકે મોદીનું લાલ કિલ્લા પરથી આ આખરી દેશવ્યાપી સંબોધન છે. વડા પ્રધાન તરીકે તેમણે આ પાંચમી વાર તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કર્યું છે.

વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. સપનાનાં સંકલ્પો સાથે દેશ નવી ઊંચાઈઓને પાર કરી રહ્યો છે. આજનો સૂર્યોદય નવી ચેતના, નવી ઊર્જા, નવા ઉત્સાહ લઈને આવ્યો છે.

વડા પ્રધાને કહ્યું કે આપણા સહુ માટે ગર્વની વાત છે કે આજે વિશ્વમાં ભારત છઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની છે.

‘આજે આપણે એવા સમયે આઝાદીની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે નૌકાદળની 6 મહિલા અધિકારીઓએ હાલમાં જ એક જહાજ પર સાહસિક વિશ્વ સફર પૂરી કરી છે, એમ વડા પ્રધાને વધુમાં કહ્યું.

મોદીએ કહ્યું કે, આપણું બંધારણ કહે છે કે તમામ પછાત, ગરીબ લોકોને ન્યાય મળે. દલિત, જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને પણ આગળ વધવાનો અધિકાર મળે.

વડા પ્રધાને લાલ કિલ્લા પરથી દેશની વીર બેટીઓની સરાહના કરી જેમણે હાલમાં જ માઉન્ટ એવરેસ્ટ શિખર પર તિરંગો ફરકાવ્યો છે. વડા પ્રધાને કહ્યું કે, દેશના વીર સેનાનીઓને હું નમન કરું છું, જેમણે દેશની આઝાદી માટે ત્યાગ અને બલિદાન આપ્યા.

ગયા વર્ષે આપણા દેશમાં જીએસટી કર વ્યવસ્થા હકીકત બની. જીએસટીની સફળતા માટે હું વેપારી સમુદાયનો આભાર માનું છું. જ્યારે નિર્ધાર મક્કમ હોય, દેશ માટે કંઈક કરી છૂટવાનો ઈરાદો હોય તો બેનામી સંપત્તિનો કાયદો પણ લાગુ થઈ શકે છે, એમ વડા પ્રધાને કહ્યું.

વડા પ્રધાન મોદીના સંબોધનના અન્ય અંશઃ

 • વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી એમનું સંબોધન સમાપ્ત કર્યું અને કહ્યું, ફરીવાર હું તમામ ભારતવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા આપું છું.
 • દરેક ભારતીયને સ્વાસ્થ્ય સેવા મળવી જોઈએ, ઈન્ટરનેટ સેવા મળવી જોઈએ અને સ્વચ્છતા મળવી જોઈએ. એટલે કે #HealthForAll, #NetForAll, #SanitaryForAll.
 • આપણે કશ્મીરના લોકોને ગોળી કે ગાળથી નહીં, પણ ગળે લગાડીને આગળ વધવા ઈચ્છીએ છીએ.
 • આજે દેશ ઈમાનદારીનો ઉત્સવ ઉજવી રહ્યો છે. સરકારી યોજનાઓથી જો કોઈને પુણ્ય મળે છે તો એ સરકારને નહીં, પરંતુ ઈમાનદાર કરદાઓને મળે છે.
 • 2020ની સાલ સુધીમાં દેશમાં કિસાનોની આવક બમણી કરી દઈશું.
 • 25 સપ્ટેંબરે પંડિત દીનદયાલની જન્મજયંતી નિમિત્તે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવશે.
 • દેશમાં નવી એમ્સ, આઈઆઈટી સંસ્થાઓ શરૂ થનાર છે. દેશમાં સ્ટાર્ટઅપનું તો જાણે પૂર આવ્યું છે. બેન્કિંગ સેક્ટરને મજબૂત કરવા માટે કાયદો લાવીશું.
 • 25 સપ્ટેંબરે આયુષ્માન યોજના શરૂ કરવામાં આવશે જેનાથી 50 કરોડ લોકોને લાભ મળશે.
 • છેલ્લા બે વર્ષમાં પાંચ કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવી ગયા છે. હું ઈમાનદાર કરદાતાઓને નમન કરું છું.
 • જો આપણે 2013ની સ્પીડમાં ચાલ્યા હોત તો અનેક વિકાસયોજનાઓ પૂરી થવામાં દાયકો લાગી ગયો હોત.
 • આપણા દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયના લોકોની છે એટલે જ આખા વિશ્વની નજર આપણા પર છે.
 • વડા પ્રધાન મોદીએ ગગનયાનની કલ્પના પ્રસ્તુત કરી. કહ્યું, 2022 સુધીમાં કોઈક ભારતીય તિરંગો લઈને અંતરિક્ષમાં પહોંચશે.
 • આજે અમારું સંપૂર્ણ ધ્યાન કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા પર, એમાં આધુનિકતા લાવવા પર રહેલું છે.
 • 2014ની સાલથી હું અનુભવ કરી રહ્યો છું કે સવા સો કરોડ દેશવાસીઓ માત્ર સરકાર બનાવીને અટક્યા નથી, પણ દેશ બનાવવામાં લાગી પડ્યા છે.
 • વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ, ભારતમાં સ્વચ્છતા ઝૂંબેશને કારણે 3 લાખ જેટલા ગરીબ બાળકો મરતા બચી ગયા છે.