11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની તરફેણના અહેવાલોને ભાજપનો રદિયો

નવી દિલ્હી – શાસક ભારતીય જનતા પાર્ટીએ આજે ભારપૂર્વક જણાવ્યું છે કે લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજાય એ વિચારની તે તરફેણ કરે છે, પરંતુ એ માટે તમામ સંબંધિત પક્ષોની સર્વસંમતિ હોય તો તેમજ એ વિચાર કાયદાને અનુરૂપ હોય તો. આમ કરીને ભાજપે એ અહેવાલોને રદિયો આપ્યો છે કે લોકસભાની હવે પછીની ચૂંટણીની સાથે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવા પોતે વિચારે છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ અખબારી અહેવાલોનું ખંડન કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી સાથે 11 રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી યોજવાનું ભાજપમાં વિચારણા હેઠળ છે એવા અહેવાલો ખોટા છે. આવા ખોટા અહેવાલો પર વિશ્વાસ કરવો ન જોઈએ.

પાત્રાએ કાયદા પંચને ભાજપપ્રમુખ અમિત શાહે પાઠવેલા એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે એ પત્રમાં શાહે ચોખ્ખું લખ્યું છે કે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે સર્વસંમતિ સધાય એ માટે વિચારવિમર્શ કરવાની તેમણે તમામ સંબંધિત લોકોને અપીલ કરી છે.

ભાજપ આ કામ કાયદેસર તેમજ સર્વસંમતિ સાથે થાય એવું ઈચ્છે છે, એમ પાત્રાએ કહ્યું.