શ્રીપદ નાઇકની હાલત સ્થિર, દુર્ઘટનામાં પત્ની-મદદનીશનું મોત

બેંગલુરુઃ કેન્દ્રીય આયુષપ્રધાન શ્રીપદ યેસો નાઇકની હાલત સ્થિર છે. તેઓ યેલાપુરથી ગોકરન જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તાના કિનારે ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં તેમનાં પત્ની વિજયા નાઇક અને ખાનગી મદદનીશનાં મોત થયાં છે. આ દુર્ઘટના કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલાની પાસે બની હતી. જોકે કેન્દ્રીય પ્રધાન અને તેમનાં પત્નીને તત્કાળ હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગોવા શિફ્ટ કરવામાં આવ્યાં હતાં, પરંતુ તેમનાં પત્નીનું મોત થયું હતું, એમ જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શિવપ્રકાશ દેવરાજુએ જણાવ્યું હતું. આ અકસ્માતના સમાચાર મળતાં વડા પ્રધાન મોદીએ ગોવાના મુખ્ય પ્રધાનને ફોન કરીને કેન્દ્રીય પ્રધાનની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

શ્રીપદ નાઇક આયુર્વેદ, યોગ અને કુદરતી ચિકિત્સા, યુનાની, સિદ્ધ, હોમિયોપથીની સાથે સંરક્ષણ રાજ્યપ્રધાન પણ છે.  કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક પ્રધાનોએ ટ્વીટ કરીને કાર દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમનાં પત્નીના મોત પર શોક પ્રગટ કર્યો હતો.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સંરક્ષણ રાજ્યપ્રધાન શ્રીપદ નાઇકના આરોગ્ય સંબંધી અને તેમની સારવ ર સંબંધી માહિતી લેવા માટે મંગળવારે ગોવા જશે. તેમણે ટ્વીટ કર્યું હતું કે નાઇકના સ્વાસ્થ્ય સંબંધી અને તેંમની સારવાર સંબંધે માહિતી લેવા માટે તેઓ આજે ગોવા જઈશ. સંકટ અને દુઃખની ઘડીમાં ઇશ્વર તેમના પરિવારને શક્તિ આપે.

 

 

,