અતીકને ઠાર મારનાર હુમલાખોરો પત્રકારોના સ્વાંગમાં આવ્યા હતાઃ પોલીસ

પ્રયાગરાજઃ માફિયા ડોન અતીક એહમદ અને એના ભાઈ અશરફને ગઈ કાલે રાતે પ્રયાગરાજમાં મારી નાખનાર શૂટરો બનાવના સ્થળે પત્રકારો બનીને આવ્યા હતા. અતીક ચેક-અપ માટે આવી પહોંચ્યો કે તરત જ એને પત્રકારોએ ઘેરી લીધો હતો અને તેઓ અતીક અને એના ભાઈ અશરફની નજીક પહોંચી ગયા હતા. એક જણના હાથમાં કેમેરા હતા અને તે કેમેરામેનના સ્વાંગમાં હતો. એક જણના માઈક પર એનસીઆર ન્યૂઝ લખ્યું હતું.

પ્રયાગરાજ શહેરના પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું છે કે, જેવો અતીક આવી પહોંચ્યો કે પત્રકારોએ બંને ભાઈઓને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. પણ અચાનક એક જણે અતીકના લમણા પર રિવોલ્વર મૂકીને ગોળી છોડી હતી. અતીક નીચે પડી ગયો હતો. બીજા બે જણે કેમેરા અને માઈક ફેંકી દઈને ગોળીબાર શરૂ કર્યો હતો. ત્રણ જણને પકડી લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે. અતીક અને અશરફ પરના હુમલામાં એક પોલીસ જવાનને પણ ગોળી વાગી છે. એક પત્રકારને પણ ઈજા થઈ છે.

દરમિયાન, ઉત્તર પ્રદેશ પોલીસે આજે સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ કરી હતી અને ચોકીપહેરો વધારે મજબૂત બનાવી દીધો હતો.