સ્વ. પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠાએ રાજકારણ છોડ્યું

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ સક્રિય રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે પોતે સામાજિક અને કલા-સંસ્કૃતિ સાથે જોડાયેલાં કામોને આગળ વધારશે. શર્મિષ્ઠાએ જોકે કહ્યું છે કે પોતે કોંગ્રેસ પાર્ટીનાં પ્રાથમિક સભ્યપદે ચાલુ જ રહેશે.

શર્મિષ્ઠાએ એમનાં ટ્વિટર એકાઉન્ટ પર એક યૂઝરના ટ્વીટના જવાબમાં રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી. તે ટ્વિટર યૂઝરે શર્મિષ્ઠાને એક સારાં રાજનેતા તરીકે ઓળખાવ્યાં હતાં, પણ શર્મિષ્ઠાએ એના જવાબમાં લખ્યું કે, તમારો આભાર, પણ હું હવે રાજનેતા નથી. મેં રાજકારણ છોડી દીધું છે. હું કોંગ્રેસની પ્રાથમિક સદસ્ય છું અને રહીશ, પરંતુ હવે સક્રિય રાજકારણમાં નહીં રહું.