નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં 15 વર્ષોમાં રાજકારણ અને અપરાધીકરણની જબરી ભેળસેળ થઈ ગઈ છે. દેશમાં કોઈ પણ રાજકીય પક્ષ એવો સ્વચ્છ પ્રતિભા ધરાવતો નહીં મળે જેના ઉમેદવારો સામે ક્રિમિનલ ગુનો ના નોંધાયો હોય. પાછલાં 15 વર્ષોમાં ક્રિમિનલ કેસનો સમાનો કરી રહેલા સંસદસભ્યોની સંખ્યામાં વધારો થયો છે, એમ એક અહેવાલ કહે છે. એમાં પણ દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ક્રિમિનલ કેસો નોંધાયા હોય એવા ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. જોકે આમાં કેટલાય ઉમેદવારો સામે જે ફરિયાદો દાખલ થઈ છે, એમાં રાજકીય કારણોસર પ્રેરિત પણ હોઈ શકે. પાર્ટીઓએ આવા ઉમેદવારોની માહિતી 48 કલાકની અંદર આપવી પડશે. આ સિવાય પક્ષે એ પણ જણાવવું પડશે કે આ ઉમેદવારોને ચૂંટણીમાં કેમ ઊભા રાખ્યા છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિર્ફોર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણથી માલૂમ પડે છે કે પાછલાં 15 વર્ષો દરમ્યાન ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.
સૌથી વધુ સંસદસભ્યો કઈ પાર્ટીના ક્રિમિનલ્સ
સૌથી વધુ ક્રિમિનલ્સ સાંસદસભ્યોની વાત કરીએ તો જેડીયુ આ મામલે પ્રથમ ક્રમાંકે છે. ત્યાર બાદ શિવસેના અને કોંગ્રેસનો નંબર છે. જેડીયુના 16માંથી 11, કોંગ્રેસના 52માંથી 30, બીએસપીના 10માંથી પાંચ, લેફ્ટના છમાંથી ત્રણ, ડીએમકેના 24માંથી 11, વાઇએસઆરસીપીના 22માંથી 10, ટીએમસીના 22માંથી 9, એસપીના પાંચમાંથી બે, ભાજપના 302માંથી 117, ટીઆરએસના નવમાંથી ત્રણ, ભાજપના 12માંથી એક સંસદસભ્ય ક્રિમિનલ છે. પાંચ પક્ષો એવા છે જેના અડધાથી વધુ ઉમેદવારો ક્રિમિનલ છે, જેમાં કોંગ્રેસ, શિવસેના અને જેડીયુ સામેલ છે.
કઈ પાર્ટીના સૌથી વધુ ક્રિમિનલ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
આરેજેડીએ, 21માંથી 18, જેડીયુએ 24માંથી 14, એસપીએ 49માંથી 26, વાયએસઆરસીપી 25માંથી 13, ડીએમકેના 24માંથી 11, ભાજપના 435માંથી 176, કોંગ્રેસના 420માંથી 165, લેફ્ટના 158માંથી 62, શિવસેનાના 97માંથી 34, ટીએમસીના 62માંથી 20, ટીઆરએસ17માંથી પાંચ, બીએસપીના 380માંથી 85, એઆઇડીએમકેના 22માંથી ત્રણ અને બીજેડીના 21માંથી 1 ઉમેદવાર ક્રિમિનલ છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો સૌથી વધુ ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે, બીએસપીના સૌથી ઓછા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયા છે. જોકે કેટલાક ઉમેદવારોની સામે રાજકીય પ્રેરિત ફરિયાદો પણ નોંધાઈ છે.
આ પહેલાં હજી ગુરુવારે જ સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓને લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી લડવા માટે બધા ઉમેદવારોને ક્રિમિનલ કેસોની વિગતો આપવોનો આદેશ આપ્યો હતો. આ માટે કોર્ટે રાજકીય પક્ષોને કડક દિશા-નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ એવા ઉમેદવારોના ગુનાઇત મામલાની માહિતી પોતાની વેબસાઇટો પર અપલોડ કરવાની રહેશે. જો કોઈ પક્ષ ગુનાઇત ભૂતકાળ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપશે તો પક્ષે એનું કારણ પણ દર્શાવવું પડશે કે કેમ પક્ષ સ્વચ્છ ઉમેદવારને ટિકિટ ના આપી શક્યો.