ભીમા કોરેગાંવ મામલે ઉદ્ધવ ઠાકરેના નિર્ણયથી શરદ પવાર નારાજ?

મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)  ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે ગયા મહિને કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભાંડો ફુટી જવાના ડરથી ભીમા-કોરેગાંવ હિંસા મામલે તપાસ NIA ને સોંપી છે. શરદ પવારે કહ્યું હતું કે અન્યાય વિરુધ્ધ બોલવું નક્સલવાદ નથી. મારા મતે સરકારને ડર છે કે તેમનો ભાંડોફૂટી જશે. એટલા માટે NIA ને તપાસ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભીમા કોરેગાંવ મામલે તપાસને લઈને શરદ પવારે ઉઠાવેલા સવાલ પછી મહારાષ્ટ્ર સરકારે આ મામલે રિવ્યુ મિટિંગ બોલાવી હતી. ત્યાર પછી કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ NIA ને સોંપી દીધી. એ સમયે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ પગલાને ખોટું ગણાવતા આની વિરુદ્ધમાં કોર્ટમાં જવાની વાત કહી હતી.  જો કે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી પણ આ મામલે તપાસ NIAને સોંપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગલાથી શરદ પવાર નાખુશ જોવા મળી રહ્યાં છે.