નવી દિલ્હીઃ કોરોના વાયરસના પગલે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે આ કડીમાં 90ના દાયકાના ભારતના પહેલા સુપરહીરો ‘શક્તિમાન’નું નામ પણ જોડાવાનું છે. મુકેશ ખન્નાએ ટ્વીટર પર એક વિડીયો શૅર કરીને ખુશખબરી આપી છે.
90ના દાયકામાં ટીવી પર એક એવો સુપરહીરો ટેલિવિઝન પર આવતો હતો. જેને જોવા માટે દરેક બાળકો ખૂબ જ ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા. એ હતો ‘શક્તિમાન’. એ જ શક્તિમાન જે પોતાની દૈવીય શક્તિઓથી શહેર પર આવેલી તમામ મુશ્કેલીઓને દૂર કરતો હતો. આ ઉપરાંત તે પોતાની સલાહથી લોકોને જરુરી મેસેજ પણ આપતો હતો. હવે જ્યારે સમગ્ર દેશ લૉકડાઉનના કારણે ઘરની અંદર પૂરાયેલો છે ત્યારે ફરી એકવાર શક્તિમાનનું પ્રસારણ કરવાની માંગ ઉઠી છે.
નોંધનીય છે કે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ઉપરાંત શાહરુખ ખાનનું સર્કસ અને વ્યોમકેશ બક્ષી પણ જોવા મળે છે. હવે જ્યારે જૂની યાદો ફરીથી તાજી થઈ રહી છે ત્યારે મુકેશ ખન્નાએ ટ્વીટર પર એક જાહેરાત કરી છે. જેને લઈને ટ્વીટર યૂઝર્સ ખુશખુશાલ છે.