મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ ગઈ કાલે રાતે એમણે મુંબઈના સમુદ્રકાંઠા નજીક જ્યાં દરોડો પાડ્યો હતો તે ગોવા જતા એક લક્ઝરી ક્રૂઝ જહાજ પરની રેવ પાર્ટી વિશે પૂછપરછ કર્યા બાદ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષીય પુત્ર આર્યન ખાનની આજે બપોરે ધરપકડ કરી છે. 2020માં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના ઓચિંતા મૃત્યુ બાદ એનસીબીએ બોલીવુડમાં ડ્રગ્સના કરાતા ઉપયોગના કેસમાં મોટા પાયે તપાસ હાથ ધરી છે. ગઈ કાલે, બાતમી મળતાં, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે કોર્ડેલિયા ક્રૂઝ જહાજ પર દરોડો પાડ્યો હતો. ત્યારે કેટલાક પ્રવાસીઓ પાસેથી એમને ડ્રગ્સ મળી આવ્યું હતું.
સૂત્રોનું કહેવું છે કે આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મરચંટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મીત સિંહ, મોહક જસ્વાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરાની પણ એનસીબીના અધિકારીઓએ પૂછપરછ કરી છે. ગઈ કાલ રાતના દરોડામાં એનસીબીના અધિકારીઓએ કોકેન, એલએસડી, હશીશ અને એમડી જેવા કેફી દ્રવ્યો કબજે કર્યા હતા. આર્યન ખાન પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યું હતું. એનસીબી અધિકારીઓએ આ કેસમાં એક એફઆઈઆર પણ નોંધાવી છે. અધિકારીઓએ શકમંદોની તલાશી લીધી હતી ત્યારે એમની પાસેથી જુદા જુદા કેફી પદાર્થો મળી આવ્યા હતા. જે તેમણે એમનાં વસ્ત્રોમાં, આંતરવસ્ત્રોમાં, પર્સમાં (મહિલાઓએ) સંતાડ્યું હતું.
આર્યન ખાનની ધરપકડ પ્રતિબંધિત કેફી પદાર્થોનું સેવન કરવા, વેચવા અને ખરીદી કરવા બદલ કરવામાં આવી છે. એરેસ્ટ મેમોમાં દર્શાવ્યા મુજબ, દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે આર્યન ખાન પાસેથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ MD, 21 ગ્રામ ચરસ અને MDMAની 22 ગોળી, તથા 1.33 લાખની રોકડ રકમ મળી આવી હતી.
એનડીટીવીના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એના ઘેરથી એના લૉયરની ઓફિસે પહોંચ્યો હતો.
