ભવાનીપુર વિધાનસભા-બેઠક પર મમતા બેનરજીનો પ્રચંડ વિજય

કોલકાતાઃ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીએ અહીં ભવાનીપુર વિધાનસભા બેઠક માટેની પેટા-ચૂંટણીમાં આજે પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. આ સાથે જ બેનરજીએ એમનું મુખ્ય પ્રધાન પદ જાળવી રાખ્યું છે. બેનરજીએ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોના માર્જિનથી પરાજય આપ્યો છે. ભવાનીપુર બેઠકની પેટા-ચૂંટણી માટે ગઈ 30 સપ્ટેમ્બરે મતદાન યોજાયું હતું. આજે થયેલી મતગણતરીમાં 21 રાઉન્ડને અંતે બેનરજીએ 84,709 મત મેળવ્યાં હતાં. ટિબરેવાલને 26,320 મત મળ્યાં છે. જ્યારે સીપીઆઈ (એમ)ના શ્રીજીબ બિશ્વાસને 4,201 મત મળ્યાં છે.

ભવાનીપુર ઉપરાંત પશ્ચિમ બંગાળની અન્ય બે વિધાનસભા બેઠક માટે પણ પેટા-ચૂંટણી યોજાઈ હતી. એ બંને બેઠક ઉપર પણ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં ઉમેદવારો સરસાઈમાં હતાં.

બેનરજી આ પહેલાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વખતે નંદીગ્રામ બેઠક પરથી ભાજપના શુભેન્દુ અધિકારી સામે હારી ગયાં હતાં. તે છતાં પાર્ટીએ એમને મુખ્ય પ્રધાન તરીકે ફરી નિયુક્ત કર્યાં હતાં. જોકે બંધારણની જોગવાઈ અનુસાર બેનરજીએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યાનાં છ મહિનાની અંદર ફરજિયાતપણે વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવવું પડે. એમની પાર્ટીનાં ભવાનીપુર બેઠક પરના વિજયી ઉમેદવારે બેનરજી ચૂંટણી ફરી લડી શકે એટલા માટે રાજીનામું આપી પોતાની બેઠક ખાલી કરી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]