પ્રયાગરાજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં દિવ્યાંગોને ઉપકરણ વહેંચ્યા હતા. ત્યાર બાદ તેમણે લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે સિનિયર સિટિઝન, દિવ્યાંગજન, આદિવાસી, દલિત, પીડિત, દેશની કોઇ પણ વ્યક્તિ હોય એ બધા 130 કરોડ ભારતીયોનાં હિતોની રક્ષા કરવી, તેમની સેવા કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દિવ્યાંગોની તકલીફોને સમજીને જે પ્રકારે આ સરકારે કામ કર્યું છે, એટલું પહેલાં ક્યારેય નથી થયું. અમારી સરકાર દરેક વ્યક્તિના વિકાસ માટે, તેના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તમારા પ્રધાનસેવક તરીકે મને હજ્જારો દિવ્યાંગો અને સિનિયર સિટિઝનોની સેવા કરવાની તક મળી છે. થોડા સમય પહેલાં અહીં આશરે 27,000 સાથીઓને ઉપકરણ આપવામાં આવ્યા છે. કોઈને ટ્રાઇસિકલ મળી, કોઇને સાંભળવાનું મશીન મળ્યું અને કોઈને વ્હીલચેર મળી છે. આ ઉપકરણ તમારા જીવનમાંની મુશ્કેલીઓ ઓછી કરવામાં મદદ કરશે.
વડા પ્રધાને કહ્યું હતું કે આ અમારી જ સરકાર છે, જેણે દિવ્યાંગોના અધિકારોને સ્પષ્ટ કરવાવાળા કાયદાનો અમલ કર્યો. આ કાયદાનો મોટો લાભ છે એ છે કે પહેલાં દિવ્યાંગો માટે જે અલગ-અલગ સાત શ્રેણી હતી, એને વધારીને 21 કરવામાં આવી હતી.
દિવ્યાંગો માટેના નિયમો કડક કરવામાં આવ્યા
તેમણે કહ્યું હતું કે દિવ્યાંગો પર જો કોઈ અત્યાચાર કરે છે, તેમની હેરાનગતિ કરે છે તો એનાથી જોડાયેલા નિયમોને કડક કરવામાં આવ્યા છે. દિવ્યાંગોની નિયુક્તિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે અનામત ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે પણ અનામત ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા તરવામાં આવી છે.સરકારે આશરે 9000 કેમ્પો કર્યા
તેમણે કહ્યું હતું કે પહેલાની સરકારોના કાર્યકાળમાં આ પ્રકારના કેમ્પ બહુ ઓછા લાગતા હતા અને આ પ્રકારના મેગા કેમ્પ આંગળીના વેઢે ગણાય એટલા જ થતા. પાછલાં પાંચ વર્ષમાં અમારી સરકારે દેશના વિવિધ વિસ્તારોમાં આશરે 9000 કોમ્પો લગાડ્યા છે. પાછલાં પાંચ વર્ષમાં દેશનાં અસંખ્ય બિલ્ડિંગો, 700થી વધુ રેલવે સ્ટેશનો, એરપોર્ટને દિવ્યાંગો માટે સુવિધાયુક્ત બનાવવામાં આવ્યા છે. અમારી સરકારે સુગમ્ય ભારત અભિયાન ચલાવીને દેશભરની મોટી સરકારી ઓફિસોને દિવ્યાંગો માટે સુવિધાયુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે.