US ફેડની મીટિંગ પહેલાં સેન્સેક્સ 1064 તૂટ્યોઃ નિફ્ટી 24,350ની નીચે

અમદાવાદઃ સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં બજારમાં સાર્વત્રિક નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ તૂટ્યા હતા. નવેમ્બરમાં દેશની વેપાર ખાધ વધીનો 37.8 અબજ ડોલરે પહોંચી હતી. જેથી અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો. આ સાથે નવેમ્બરમાં આયાત 27 ટકા વધીને આશરે 70 અબજ ડોલર રહી હતી. નિફ્ટી પણ 24,350ની નીચે બંધ આવ્યો હતો અને સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો હતો.આ સાથે ઇન્ડેક્સમાં હેવી વેઇટેજ રિલાયન્સ, HDFC બેન્કના શેરમાં જોરદાર વેચવાલી થઈ હતી અને આ હેવીવેઇટે બજારને નીચે ખેંચ્યું હતું. વળી, રોકાણકારોએ અમેરિકી ફેડરલ રિઝર્વની 18 ડિસેમ્બરે બેઠક પહેલાં વ્યાજદરોમાં કાપના સંકેતોને લઈને સતર્ક વલણ અપનાવ્યું હતું. જેને કારણે પણ બજારમાં વેચવાલી ફરી વળી હતી. સેન્સેક્સ 1064 પોઇન્ટ તૂટીને 80,684ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 332 પોઇન્ટ તૂટીને 24,336ના મથાળે બંધ રહ્યો હતો.

બીજી બાજુ દક્ષિણ કોરિયામાં રાજકીય અનિશ્ચિતતાઓને લઈને રોકાણકારો સાવચેતી અપનાવી રહ્યા છે. આ ઉપરાંત ક્રિસમસની રજાઓને લઈને FII હોલિડે મૂડમાં હોવાથી વેચવાલી કરી રહ્યા છે. આ સાથે એશિયાન બજારો વધુ ઊંચા સ્તરે હોવાથી પણ રોકાણકારો સાવચેતી અપનાવી રહ્યા છે.

વળી, અમેરિકી ફેડરલની બેઠકમાં પોલિસી સમીક્ષામાં 25 બેઝિસ પોઇન્ટના કાપની શક્યતા છે, જેથી રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. વળી, FII ગઈ કાલે ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 278.70 કરોડના શેર વેચ્યા હતા. તેમની સાથે DIIએ પણ રૂ. 234.25 કરોડના શેરો વેચ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4107 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1576 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2441 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 90 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 278 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 28 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.