હલકી-ગુણવત્તાવાળી હેલ્મેટ, પ્રેશર-કૂકર, ગેસ સિલિન્ડર વેચવા ગુનો ગણાશે

નવી દિલ્હીઃ ક્વાલિટી કન્ટ્રોલને લગતા આદેશોનું ઉલ્લંઘન કરે એવી બનાવટી-નકલી માલસામાનના વેચાણને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી ઝુંબેશ આદરી છે. તે અંતર્ગત તેણે જાહેરાત કરી છે કે હવેથી દેશમાં હલકી ગુણવત્તાવાળી હેલ્મેટ, પ્રેશર કૂકર અને ગેસ સિલિન્ડરો વેચવાને BIS (બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) કાયદાની સંબંધિત કલમો અંતર્ગત ગુનો ગણવામાં આવશે. હલકી ગુણવત્તાવાળી હેલ્મેટ, પ્રેશર કૂકર અને રાંધણ ગેસના સિલિન્ડરોનું વેચાણ ગ્રાહકો માટે જોખમી અને જીવલેણ બની શકે છે તેથી કેન્દ્ર સરકારના ગ્રાહકોને લગતી બાબતો, અન્ન તથા જાહેર વિતરણ મંત્રાલયના ગ્રાહકોને લગતા વિભાગ અંતર્ગત આવતી એજન્સી સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીએ જાહેરાત કરી છે કે અનિવાર્ય ધારાધોરણોના ઉલ્લંઘનને BIS કાયદાની કલમ 29 (4) હેઠળ દંડનીય અપરાધની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે BISના ડાયરેક્ટર જનરલને લેખિતમાં સૂચના આપી છે કે આ બાબતને પ્રાધાન્ય આપવામાં આવે અને તમામ પ્રાદેશિક શાખાઓને ત્વરિત જાણ કરી દેવામાં આવે. આ સાથે જ બજારોમાં તત્કાળ દેખરેખ શરૂ કરવી અને હલકી ગુણવત્તાવાળા માલસામાન વેચનારાઓ સામે તત્કાળ પગલાં લેવા. ગ્રાહકોને લગતી બાબતોનાં વિભાગનાં સચિવ લીનના નંદને કહ્યું છે કે અમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પણ લેખિતમાં સૂચના આપી દીધી છે કે એમણે જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશનરો સાથે મળીને આ કાયદાનો અમલ કરાવવો અને અનિવાર્ય ધારાધોરણોનો ભંગકર્તા માલસામાનનું વેચાણ તથા ઉત્પાદન તાત્કાલિક અટકાવી દેવું.