શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર હવે અહીં એનએસજી કમાન્ડો યુનિટ બનાવવાની તૈયારી કરી રહી છે જેના માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને મંજૂરી મળ્યા બાદ NSGના બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની બે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય સરકારની ચાર સુરક્ષા એજન્સીઓ તૈનાત છે. કોઈપણ વીવીઆઈપી મુલાકાત પર દિલ્હીથી NSG કમાન્ડોને બોલાવવામાં આવે છે. રામ મંદિરના નિર્માણ પછી, જિલ્લામાં અવારનવાર વીવીઆઈપીની મુલાકાતો થાય છે અને દરેક સમયે ભક્તોની ભારે ભીડ રહે છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યા પણ સમયાંતરે આતંકવાદીઓના નિશાના પર રહી છે, જેને જોતા હવે અહીં સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. આ માટે ભવિષ્યમાં અહીં એનએસજી કમાન્ડોની એક યુનિટની સ્થાપના કરવાની તૈયારી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NSG ટીમે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો છે અને જમીનની ઓળખ કરીને તેને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જયારે પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યામાં NSG યુનિટ ખોલવાની માહિતી છે, પરંતુ તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી. જો કે એક વાત તો નક્કી છે કે સમગ્ર વિશ્વની જેના પર નજર છે એ અયોધ્યાની સુરક્ષામાં વધારો તો કરવામાં આવી શકે છે.
