કશ્મીરમાં આતંકવાદીઓનો પરપ્રાંતીય-મજૂરો પર હુમલોઃ એકનું મરણ

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં વિજયકુમાર બેનીવાલ નામના એક હિન્દુ બેન્ક મેનેજરની કુલગામ જિલ્લામાં હત્યા કર્યાના 10 કલાકમાં આતંકવાદીઓ ફરી ત્રાટક્યા છે. નવો હુમલો એમણે બડગામ જિલ્લામાં કર્યો છે. મગ્રેપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશની બહારથી આવેલા બે મજૂર પર ગોળીબાર કર્યો હતો. એમાંના એક મજૂરનું હોસ્પિટલમાં લઈ જવાતી વખતે મરણ નિપજ્યું હતું.

એક મજૂરને હાથ પર ગોળી વાગી હતી જ્યારે બીજાને ખભામાં. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ જેને ખભા પર ગોળી વાગી હતી એની હાલત ગંભીર હતી તેથી એને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવાનું નક્કી કરાયું હતું. પરંતુ, ત્યાં પહોંચ્યા બાદ ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો. મૃતકનું નામ દિલખુશ હતું, જે પંજાબમાંથી આવ્યો હતો જ્યારે બીજા મજૂરનું નામ ગોરિયા છે, જે ઉત્તર પ્રદેશનો વતની છે. બંને જણ બડગામ જિલ્લામાં ઈંટ બનાવવાના ભઠ્ઠામાં કામ કરતા હતા. બડગામ જિલ્લામાં આ જ સ્થળે આતંકવાદીઓએ રાહુલ ભટ્ટ નામના એક કશ્મીરી પંડિત સરકારી કર્મચારીની એમની ઓફિસમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]