સહારા-ગ્રુપના વડા સુબ્રત રોયના બેન્ક-એકાઉન્ટ્સની જપ્તીનો આદેશ

મુંબઈઃ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ એક નોટિસમાં આદેશ આપ્યો છે કે ઓપ્શનલી ફૂલ્લી કન્વર્ટિબલ ડીબેન્ચર્સ (OFCDs)ને ઈશ્યૂ કરવામાં નિયામક દ્વારા જારી કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સહારા ગ્રુપની બે કંપનીના બેન્ક તથા ડીમેટ એકાઉન્ટ્સને જપ્ત કરવામાં આવે.

આ નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સહારા ગ્રુપના વડા સુબ્રત રોય તથા એમના ત્રણ અધિકારીઓ – અશોક રોય ચૌધરી, રવિ શંકર દુબે અને વંદના ભાર્ગવનાં બેન્ક એકાઉન્ટ્સ અને ડીમેટ એકાઉન્ટ્સ પણ જપ્ત કરવામાં આવે. SEBI નિયામક એજન્સીએ આ રીકવરી નોટિસ તેણે 2022ની 27 જૂનને રૂ. 6.48 કરોડની પેનલ્ટીની વસૂલી વિશે ઈશ્યૂ કરેલા ઓર્ડરના અનુસંધાનમાં છે. સહારા ગ્રુપની સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડને નોટિસ ફટકારવામાં આવી છે.