રાજસ્થાનના પાલીમાં સ્કૂલ બસનો અકસ્માત, 3 બાળકોના મૃત્યુ, 12 ઘાયલ

રાજસ્થાનના પાલીથી હૈયુ કંપાવી નાખનાર સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. પાલીમાં એક એકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલીના દેસૂરી નાળા નજીક એક બસ બેકાબૂ બનતા વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો હતો. જેવી જ બસ પલટી કે બાળકોએ ચીસાચીસ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટના વિશે જાણ કરી હતી. માહિતી અનુસાર આ બાળકો સ્કૂલ પ્રવાસે જઇ રહ્યા હતા.આ ઘટનાની જાણકારી મળતાં જ રાજસમંદના એસપી અને કલેક્ટર પણ ઘાયલોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી ગયા અને ઘાયલોના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત પીડિતોને બચાવવામાં મદદ કરી હતી. ડઝનેક જેટલાં ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા હતા. આ તમામ બાળકો પિકનિક મનાવવા માટે પરશુરામ મહાદેવ જઇ રહ્યા હતા.