SCની SBIને ફટકારઃ 21 માર્ચ સુધી સંપૂર્ણ માહિતી આપો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે સુનાવણી કરતાં ફરી એક વાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવતાં સવાલ કર્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી કેમ નથી આપવામાં આવી ? હવે કોર્ટે આ મામલે SBIને ડેડલાઇન આપતાં કહ્યું હતું કે આદેશનું પૂરું પાલન કરો અને 21 માર્ચે સુધી સાંજે પાંચ કલાક સુધી સંપૂર્ણ માહિતી આપો.

કોર્ટે SBI ચેરમેનને 21 માર્ચ સુધી એક સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા, જેમાં સંપૂર્ણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો હોય અને એમાં લખ્યું હોય કે કંઈ છુપાવવામાં નથી આવ્યું.

આ કેસમાં ફિક્કી અને એસોચેમ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા અને તેમણે એક અરજી દાખલ કરી હતી. CJIએ કહ્યું હતું કે તેમને આવી કોઈ અરજી નથી મળી. CJIએ તેમને સાંભળવાથી ઇનકાર કરતાં કહ્યું હતું કે ચુકાદો આવ્યા પછી તમે અહીં આવ્યા છો. અમે હાલ તમારી વાત નથી સાંભળી શકતા.

SCB કોર્ટ બાર એસોસિયેશન-SCBAના અધ્યક્ષ આદિશ અગ્રવાલે CJI ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે CJIને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી બોન્ડ પર ચુકાદાની સમીક્ષા કરે. એના પર CJIએ કહ્યું હતું કે અગ્રવાલ એક વરિષ્ઠ વકીલ હોવા સાથે SCBAના અધ્યક્ષ પણ છે. તમે પ્રક્રિયા જાણો છો. તમે મને એક પત્ર લખ્યો છે, એ માત્ર પબ્લિસિટી માટે હતો. હું આનાથી વધુ કાઈ કહેવા નથી ઇચ્છતો.