નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના તમામ 6 અપરાધી હત્યારાઓને જેલમાંથી છોડી મૂકવાનો સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે. તામિલ નાડુ સરકારે કરેલી ભલામણનો સ્વીકાર કરીને સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યો છે. આ તમામ હત્યારાઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે ગયા મે મહિનામાં એ.જી. પેરારીવાલન નામના અપરાધીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. તેને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. રાજીવ ગાંધીની 1991ની 21 મેએ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી સભા વખતે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ન્યાયમૂર્તિઓ બી.આર. ગવઈ અને બી.વી. નાગરથાનાની બેન્ચે અપરાધીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. તામિલનાડુ સરકારે એની ભલામણમાં એમ કહ્યું હતું કે પેરારીવાલનને છોડી મૂકાયો તો અન્ય અપરાધીઓને પણ છોડી મૂકવા જોઈએ. સરકારે એવી દલીલ કરી છે કે આ અપરાધીઓએ જેલમાં 30 વર્ષ ગાળી લીધા છે.
આ અપરાધીઓ છેઃ મુરુગન ઉર્ફે શ્રીહરન (શ્રીલંકાના એલટીટીઈ જૂથનો સભ્ય), નલિની (મુરુગનની પત્ની અને ભારતીય નાગરિક), સાંથન ઉર્ફે ટી. સુધેન્ધીરાજા (શ્રીલંકાનો નાગરિક), રોબર્ટ પાયસ (શ્રીલંકાનો નાગરિક), જયકુમાર (પાયસનો બનેવી), રવિચંદ્રન (શ્રીલંકાનો નાગરિક) અને એ.જી. પેરારીવાલન (ભારતીય નાગરિક).
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ શ્રીલંકા નિવાસી થેન્મોઝી રાજારત્નમ ઉર્ફે ધનુ ઉર્ફે ગાયત્રી નામની મહિલાએ કર્યો હતો. એમાં તે, રાજીવ ગાંધી ઉપરાંત બીજા 17 જણ માર્યા ગયા હતા. મૃતકોમાં અનેક પોલીસ જવાનનો સમાવેશ થતો હતો. વિસ્ફોટમાં 43 જેટલા લોકોને ઈજા થઈ હતી.
કોંગ્રેસે કહ્યું, આ ચુકાદો અમને અમાન્ય છે
રાજીવ ગાંધીના તમામ અપરાધી હત્યારાઓને જેલમાંથી છોડી મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે કોંગ્રેસ પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે. AICCના મહામંત્રી અને કમ્યુનિકેશન વિભાગના વડા જયરામ રમેશે કહ્યું છે કે કોર્ટનો ચુકાદો સ્વીકારી શકાય એમ નથી. કોંગ્રેસ પાર્ટી આ ચુકાદાને સ્પષ્ટપણે વખોડી કાઢે છે અને માને છે કે આ ચુકાદો સંપૂર્ણપણે અસમર્થનીય છે. આ તો બહુ કમનસીબ કહેવાય કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ભારતના જુસ્સાને અનુરૂપ કામ કર્યું નથી.