કે. કવિતાને જામીન આપવાનો કોર્ટનો ‘સુપ્રીમ’ ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નેતા કે. કવિતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, તેમની દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે EDએ ધરપકડ કરી છે. કોર્ટે કવિતાને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા નિર્દેશ આપ્યા હતા, કેમ કે ટોચની કોર્ટ બંધારણના આર્ટિકલ 32 હેઠળ રાહત અરજી સ્વીકાર નથી કરી શકતી. કવિતાની ગયા સપ્તાહે લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની પીઠે કવિતાને નીચલી કોર્ટમાં જવા કહ્યું હતું. પીઠે કહ્યું હતું કે આ એક પ્રક્રિયા છે, જેનું કોર્ટ પાલન કરી રહી છે અને એ પ્રોટોકોલને નજરઅંદાજ નથી કરી શકતી. પીઠે કહ્યું હતું કે જ્યાં સુધી PMLAની જોગવાઈને પડકાર આપતી કવિતાની અરજી છે. કોર્ટ EDને નોટિસ જારી કરી રહી છે અને છ સપ્તાહમાં એજન્સીને જવાબ આપવા કહી રહી છે.

કપિલ સિબ્બલે પીઠને કહ્યું હતું કે જોગવાઈઓને પડકારતી અરજી લંબિત કેસોમાં સાથે લેવામાં આવશે. કોર્ટને એક વિનંતી છે કે તેમને હાઇકોર્ટ જવાનું ના કહેવામાં આવે. આપણા દેશમાં  થઈ રહ્યું છે. એક સરકારી સાક્ષીના નિવેદનને આધારે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. વકીલ તરીકે તમારે ક્યારેય નિરાશ ના થવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારું વલણ સ્પષ્ટ છે. અને અમે પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છીએ.અમે સૈદ્ધાંતિક રૂપે એ વાતથી સહમત છીએ કે અમારે બંધારણીય ફોરમને નજરઅંદાજ નહીં કરવી જોઈએ.