જમ્મુ-કશ્મીરમાં સપ્ટેમ્બર-2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજોઃ ચૂંટણીપંચને SCનો આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં 2024ની 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેના પગલાં લેવા સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને કહ્યું છે. દેશના વડા ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ અને કશ્મીર પ્રદેશમાં સલામતીની ચિંતાથી આ કોર્ટ વાકેફ છે. વિધાનસભાઓની સીધી ચૂંટણીઓ ભારતમાં લોકતાંત્રિક શાસન પદ્ધતિની સર્વોચ્ચ લાક્ષણિકતાઓમાંની એક ગણાય છે. એટલે કોઈ પ્રદેશને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ત્યાં ચૂંટણીને અટકાવી શકાય નહીં.

વડા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું, અમે ભારતના ચૂંટણી પંચને આદેશ આપીએ છીએ કે નવા ઘડાયેલા કાયદાની કલમ-14 હેઠળ જમ્મુ અને કશ્મીરમાં 2024ની 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે તે પગલાં લે. સોલિસીટર જનરલે એવી રજૂઆત કરી છે કે જમ્મુ અને કશ્મીરને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરવામાં આવશે, પરંતુ રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી ચૂંટણી અટકાવી રાખવી એ જરૂરી હોય એવું અમને લાગતું નથી.

સુપ્રીમ કોર્ટ અગાઉ પણ કહી ચૂકી છે કે જમ્મુ-કશ્મીર અગાઉ એક રાજ્ય હતું અને તેને કાયમના ધોરણે કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં રાખી શકાય નહીં. લોકશાહીની પુનઃસ્થાપના કરાય તે ખૂબ જ મહત્ત્વનું છે.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને એમ કહ્યું હતું કે, જમ્મુ અને કશ્મીરને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરવા માટે અમે કોઈ સમયમર્યાદા જણાવી શકીએ એમ નથી. એમાં થોડોક સમય લાગશે. જોકે જમ્મુ-કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કામચલાઉ છે. પરંતુ જમ્મુ-કશ્મીરને રાજ્યનો દરજ્જો અપાય તે પછી પણ પડોશનો લદાખ તો કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જ ચાલુ રહેશે.