મહિલાઓનાં સ્વાસ્થ્યને ખાતરઃ જન ઔષધી સ્ટોર્સમાં સેનિટરી નેપકિન્સ 1 રૂપિયામાં વેચાશે

નવી દિલ્હી – મહિલાઓનાં આરોગ્યની કાળજી લેવા અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના જન ઔષધી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ સેનિટરી નેપકિન્સ જે હાલ અઢી રૂપિયાની કિંમતે મળે છે તે માત્ર 1 રૂપિયામાં મળશે.

સુવિધા નામના બાયોગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ 27 ઓગસ્ટથી નિયુક્ત કેન્દ્રો ખાતે સબ્સિડાઈઝ્ડ ભાવે વેચવામાં આવશે, એવું કેન્દ્રના રસાયણો અને ફર્ટિલાઈઝર્સ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ એક મુલાકાતમાં જણાવ્યું છે.

હાલ સેનિટરી પેડ્સ ચારનાં પેકમાં 10 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. મંગળવારથી આની કિંમત માત્ર 4 રૂપિયા થઈ જશે, એમ માંડવિયાએ કહ્યું છે.

એમણે વધુમાં કહ્યું કે સુવિધા બ્રાન્ડ નામ હેઠળના આ સેનિટરી નેપકિન્સ દેશભરમાં 5,500 જન ઔષધી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ થશે.

આ પેડ્સની કિંમતમાં 60 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એ સાથે જ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 2019ની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણીઢંઢેરામાં આપેલા વચનનું પાલન કર્યું છે.