ચંડીગઢઃ અહીં રાજભવન ખાતે પંજાબના નવા, 16મા મુખ્ય પ્રધાન તરીકે ચરણજીતસિંહ ચન્નીએ આજે શપથ ગ્રહણ કરી લીધા છે. આ હોદ્દા પર નિયુક્ત થનાર ચન્ની રાજ્યના પહેલા દલિત વ્યક્તિ છે. ત્યારબાદ યોજેલી પત્રકાર પરિષદમાં એમણે ઘણી જાહેરાત કરી. એમણે કહ્યું કે હું કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચલાવાતા ખેડૂત આંદોલનનું સમર્થન કરું છું. પંજાબ સરકાર બધી રીતે ખેડૂતોના આ સંઘર્ષમાં એમની પડખે છે. અમે કેન્દ્રને અપીલ કરીએ છીએ કે તે આ કાયદાઓને રદ કરે. પત્રકાર પરિષદમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા હરીશ રાવત અને પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિધુ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
ચન્નીએ વધુમાં કહ્યું કે, અમારી સરકાર રાજ્યમાં રેત-માફિયાઓનો ખતમ કરશે. ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપશે અને એમના પાણીના બિલ માફ કરશે. ઘણા ખેડૂતોનાં 10-10 લાખ રૂપિયાના બિલ ચડી ગયા છે એ બધા અમે માફ કરી દઈશું. જો કોઈ ગરીબજને વીજળીનું બિલ બિલ ભર્યું નહીં હોય તો પણ એનું વીજળીનું જોડાણ કાપવામાં નહીં આવે અને જે ગરીબોનાં વીજ જોડાણ કાપી નખાયા હશે એ બધા ફરી ચાલુ કરી દેવાશે.