સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને બીજે દિવસે પણ ઘર્ષણ

તિરુવનંતપુરમ- કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશને લઈને હજી પણ ઘમાસાણ ચાલી રહ્યું છે. અને શ્રદ્ધાળુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક મીડિયાકર્મી ઘાયલ થયાના સમાચાર છે.પોલીસના જણાવ્યા પ્રમાણે પોતાના દીકરા સાથે આવેલી એક મહિલા 52 વર્ષની છે. મંદિર પ્રશાસન તે મહિલાની ઉંમરને સાચી નથી માની રહ્યા અને તેથી તેમને મંદિરમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો નહતો. સબરીમાલા મંદિર સોમવારે પૂજા માટે ખોલવામાં આવ્યું હતું. પરંતુ 10થી 50 વર્ષની કોઈ પણ મહિલાને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી. મંદિર આજે સાંજે પૂજાવિધિ પછી બંધ થશે.

મંદિરમાં મહિલા પ્રવેશના વિરોધને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 500 જવાન તહેનાત કરવામાં આવ્યા છે. બીજી બાજુ હિન્દુ સંગઠનોએ મીડિયા સંસ્થાઓને ન્યૂઝ કવર કરવા મહિલા પત્રકારોને ન મોકલવાની પણ અપીલ કરી છે.

સબરીમાલા કર્મ સમિતિએ તેમના પત્રમાં 10થી 50 વર્ષની મહિલા પત્રકારોને કવરેજ માટે ન મોકલવા માટે મીડિયા સંસ્થાઓને એક પત્ર લખ્યો છે. સમિતિએ કહ્યું છે કે, મહિલા પત્રકારોના આવવાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બેર સબરીમલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ પહેલાં અહીં 10 વર્ષની બાળકીઓથી લઈને 50 વર્ષની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ પ્રથા 800 વર્ષ જૂની છે.

સુપ્રીમ કોર્ટેના નિર્ણયનો સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. ગત 17થી 22 નવેમ્બર સુધી મંદિર પૂજા માટે ખોલવામાં આવ્યું હતું. પરંતુ વિરોધના કારણે કોઈ મહિલા અહીં દર્શન કરી શકી નહતી. આ દરમિયાન અમુક મહિલા પત્રકાર અને એક્ટિવિસ્ટે પ્રવેશનો પ્રયત્ન કર્યો હતો. તો પ્રદર્શનકારીઓએ તેમના વાહનો પર તોડફોડ કરી હતી.