કોલકાતા: લગભગ 290 કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDની કોલકાતા ઝોન-I ટીમે ગુરુવારે કોહિનૂર પાવર (M/s Kohinoor Power Pvt. Ltd.) સાથે જોડાયેલા કોલકાતાનાં 11 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કોહિનૂર પાવરના પ્રમોટર્સ પ્રશાંત બોથરા અને વિજય બોથરા ઉપરાંત કંપનીના અન્ય ડિરેક્ટર્સ અને ઓડિટર્સ સાથે જોડાયેલાં સ્થાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
EDના જણાવ્યા અનુસાર, કોહિનૂર પાવરે ઝારખંડમાં 66 મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટે બેંકો પાસેથી લોન લીધી હતી. આરોપ છે કે લોનની રકમનો ઉપયોગ નક્કી કરાયેલા પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે કરવામાં આવ્યો નહોતો. લોનનાં નાણાંનો એક હિસ્સો કથિત રીતે ગ્રુપની અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાંનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લોનની રકમના કથિત દુરુપયોગ બાદ કંપની આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ કંપનીએ નાદારીની કાર્યવાહી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો. જોકે કંપનીના લિક્વિડેશન દરમિયાન માત્ર આશરે સાત કરોડ રૂપિયા જ વસૂલ થઈ શક્યા હતા. જેને કારણે બેંકો અને અન્ય લેણદારોને મોટું આર્થિક નુકસાન થયું હતું.

પ્રમોટર્સ અને ડિરેક્ટર્સનાં સ્થાનો પર પણ તપાસ
ગ્રુપ અને તેની સાથે જોડાયેલી કંપનીઓની ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. EDના અધિકારીઓ દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહ્યા છે. લોનની રકમ ક્યાં અને કેવી રીતે વપરાઈ હતી તેમ જ તેને કઈ રીતે અન્ય સ્થળે વાળવામાં આવી હતી, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.




