લખનૌઃ જેલમાંથી બહાર આવતાં જ સમાજવાદી પાર્ટી (SP)ના વરિષ્ઠ નેતા આઝમ ખાને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું છે. આઝમ ખાને ગુરુવારે (19 નવેમ્બર) ઓવૈસી પર કટાક્ષ કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ‘હૈદરાબાદી બિરયાની’ પસંદ કરવામાં આવતી નથી. મની લોન્ડરિંગના એક કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવેલા ખાને કહ્યું હતું કે યુપીના લોકો પુલાવ અને મટન બિરયાની વધુ પસંદ કરે છે.
ઓવૈસી પર આઝમ ખાનનો આ કટાક્ષ એવા સમયે આવ્યો છે જ્યારે AIMIM ઉત્તર પ્રદેશમાં પોતાનો રાજકીય વિસ્તાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. યુપીમાં મુસ્લિમ વસ્તી કુલ મતદારોના લગભગ 20 ટકા છે. તેઓ સમાજવાદી પાર્ટી (SP)નો એક મહત્ત્વપૂર્ણ મતબેંક માનવામાં આવે છે. AIMIMએ ‘આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)’ સાથે ગઠબંધન પણ કર્યું છે. તેમણે નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદને ‘સામાજિક પરિવર્તન મોરચા’ તરફથી મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે. ઓવૈસી અને ચંદ્રશેખરે 12 નવેમ્બરે લખનઉમાં ‘સામાજિક પરિવર્તન મોરચા’ની રચના કરી હતી. બંને નેતાઓએ તેને વંચિત અને પછાત સમુદાયોના અવાજ ઉઠાવતો મંચ ગણાવ્યો હતો. એ સાથે જ સપા અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ તેમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.
‘આગામી ચૂંટણી ઇન્કલાબ હશે‘
બુધવારે મોડી રાત્રે રામપુર પહોંચ્યા બાદ આઝમ ખાને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માત્ર ચૂંટણી નહીં, પરંતુ ‘ઇન્કલાબ’ હશે. ગાઝિયાબાદની ડાસના જેલમાંથી મુક્ત થયા બાદ રામપુર પહોંચેલા આઝમ ખાનનું મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ખાને કહ્યું હતું કે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુક્ત થવાથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે કે દેશ આઝાદ છે. તેમણે કહ્યું હતું કે પરંતુ બંધારણ કેદ છે. આપણે સૌએ સાથે મળીને બંધારણની આઝાદીની માગ કરવી જોઈએ.
‘બદલાવ નહીં, સૈલાબ આવશે‘
ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ખાને કહ્યું, “આ વખતે ચૂંટણી નહીં થાય, ઇન્કલાબ થશે. બદલાવ નહીં થાય, સૈલાબ આવશે.






