પુણેઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસે રૂ. 138 કરોડનું સોનું ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે. પોલીસને વાહનોની તપાસ દરમ્યાન આ સોનું મળ્યું છે.પોલીસની સાથે ઇન્કમ ટેક્સની ટીમ પણ સોનાની તપાસમાં લાગી ગઈ છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાને કારણે જિલ્લાઓની સરહદે વાહનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.રાજ્યમાં 288 સીટો માટે 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી રહી છે. જેથી મોટી માત્રામાં રોકડ કે કીમતી ચીજવસ્તુઓ ચૂંટણીના ઉપયોગ માટે લઈ જઈ ન શકાય.
પુણેમાં નાકાબંધી દરમિયાન મોટી માત્રામાં સોનું ઝડપાયું છે. પોલીસે જે સોનું ટેમ્પોમાંથી ઝડપ્યું છે એની કિંમત લગભગ 138 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સહકારનગર પોલીસે આ સોનું ઝડપ્યું હતું. આ જપ્તી બાદ સવાલો ઊભા રહ્યા છે કે આ સોનું કોનું હતું અને કયા હેતુ માટે લેવામાં આવતું હતું? પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે આ સોનું ખાનગી કંપનીનું છે. કંપનીને આ સોના અંગેના દસ્તાવેજો આપવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીએ તેના દસ્તાવેજો આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચને સુપરત કર્યા છે. આ ટેમ્પો ખાનગી લોજિસ્ટિક કંપનીનો છે. સોનું ભરીને ટેમ્પો મુંબઈથી પુણે જઈ રહ્યો હતો.
હાલમાં પોલીસ (Pune Police) આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચ સાથે મળીને આ મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં ખેડ-શિવપુર વિસ્તારમાં એક કારમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.