ઇન્દોર કોર્પોરેશનનાં ખોટાં બિલનું રૂ. 125 કરોડનું કૌભાંડઃ EDના દરોડા

ઇન્દોરઃ કેન્દ્રીય તપાસ એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે)એ મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરમાં થયેલા નગર નિગમ ખોટાં બિલ કૌભાંડ મામલે આશરે બે ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન તપાસ એજન્સીને આરોપી વેન્ડરનાં કેટલાંક સ્થળોએ આશરે રૂ. 1.30 કરોડ મળ્યા હતા.

એ સાથે એજન્સી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ કૌભાંડ અંતર્ગત ઓડિટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા સંદિગ્ધ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

એ સાથે એ માહિતી શેર કરવામાં આવી હતી કે ડ્રેનેજથી જોડાયેલાં કાર્યોમાં કામ કરવાવાળી કેટલીય કંપનીઓ અંતર્ગત આઠથી વધુ ઠેકેદારોએ વગર કામ કર્યે નકલી બિલો લગાવીને નગર નિગમને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

શું છે આ કેસ?

ઇન્દોરમાં નગર નિગમ નકલી બિલ કૌભાંડ મામલો આશરે રૂ. 125 કરોડનો છે. જોકે તપાસ દરમ્યાન મળેલા પુરાવા અને નોંધાયેલાં નિવેદનોને આધારે આ રકમમાં ઓર વધારો થવાની સંભાવના છે. સર્ચ ઓપરેશન દરમ્યાન તપાસ એજન્સીને અનેક મહત્ત્વના પુરાવા અને ઇનપુટ્સ જપ્ત કર્યાં છે.

એજન્સીને સર્ચ ઓપરેશન દરમ્યાન અરિહંત સ્ટીલ, નિવા કન્ટ્રક્શન, ગ્રીન કન્સ્ટ્રક્શન, કિંગ કન્સ્ટ્રક્શન વગેરે વેન્ડર અને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના નિવાસસ્થાન સહિત અન્ય લોકેશન પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલામાં ભૂમાફિયા તરીકે ચંપુ અજમેરા અને તેના ભાઈ નીલેશ અજમેરાનાં સ્થળોએ પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.