પતિ રોબર્ટ વાડ્રાને કોરોના થતાં પ્રિયંકા સેલ્ફ-આઈસોલેટ થયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાનાં પતિ રોબર્ટ વાડ્રાનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને પગલે પ્રિયંકાએ પોતાને સેલ્ફ-આઈસોલેટ કરી લીધાં છે. એમણે તેમનાં તમામ કાર્યક્રમો અને પ્રવાસ હાલપૂરતાં રદ કરી દીધાં છે. પ્રિયંકા આસામ રાજ્યમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યાં હતાં, જ્યાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

પોતાનાં કોરોનાદર્દી પતિ સાથે સંપર્કમાં આવ્યા બાદ પ્રિયંકા ગાંધીએ આસામ ઉપરાંત તામિલનાડુ અને કેરળમાં પણ પ્રચાર-પ્રવાસો રદ કરી દીધાં છે. લોકોની માફી માગતો એક વિડિયો સંદેશ એમણે રિલીઝ કર્યો છે અને સાથોસાથ કહ્યું છે કે, ડોક્ટરની સલાહ અને માર્ગદર્શિકા અનુસાર પોતે સેલ્ફ-આઈસોલેશન નિયમોનું પાલન કરી રહ્યાં છે.