નવી દિલ્હીઃ દિલ્હીના કુતુબ મિનારના ખોદકામની અફવા ચાલી રહી છે, પણ આ સંબંધે કેન્દ્રીય સાંસ્કૃતિકપ્રધાન જી. કિશન રેડ્ડીએ મિડિયા અહેવાલોને ફગાવી દેતાં કહ્યું હતું કે હજી કુતુબ મિનાર પ્રાંગણમાં ખોદકામને લઈને કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા કુતુબ મિનારના પ્રાંગણમાં ખોદકામ નહીં કરવામાં આવે.
રેડ્ડીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મિડિયા અહેવાલો સામે આવ્યા પછી ASIને એ માલૂમ કરવા ખોદકામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, એ અહેવાલ સત્યથી વેગળા છે. યુનેસ્કોની વિશ્વની હેરિટેજ સાઇટ 12મી સદીમાં કુતુબુદ્દીન એબક દ્વારા પાંચમી સદીમાં અથવા પાંચમી સદીમાં ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યો છે.
સાંસ્કૃતિક સચિવ ગોવિંદ મોહન દ્વારા શનિવારે કુતુબ મિનારની મુલાકાત લેવામાં આવ્યા પછી ત્યાં ખોદકામ કરવામાં આવનારું છે, એવા અહેવાલો વહેતા થયા હતા.
દિલ્હીની એક કોર્ટે ગયા મહિને ASIને આગામી નિર્દેશ સુધી કુતુબ મિનાર પ્રાંગણમાંથી ગણેશની મૂર્તિઓને નહીં હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. શનિવારે મોહને સિનિયર અધિકારીઓ અને ઇતિહાસકારો સાથે કુવ્વત-અલ-ઇસ્લામ મસ્જિદની મુલાકાત લીધી હતી, જ્યાં આ મૂર્તિઓ રાખવામાં આવી છે.
જોકે કેટલાક દિવસો પહેલાં ભૂતપૂર્વ ASI રિજનલ ડિરેક્ટર ધર્મવીર શર્માએ એમ કહ્યું હતું કે કુતુબમિનાર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા નિર્મિત સન ટાવર હતો.