યુરોપના દેશો સાથે સંબંધો વધુ ગાઢ બનાવાશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ત્રિદિવસીય યુરોપના ત્રણ દેશોના પ્રવાસે ગયા છે. આ યુરોપ પ્રવાસ દરમ્યાન તેમનું ફોકસ રિન્યુએબલ એનર્જી પર અને યુરોપના દેશો અને ભારત વચ્ચે સહકાર વધારવા પર રહેશે, એમ તેમણે આ પ્રવાસે જતા પહેલાં કહ્યું હતું. વડા પ્રધાન મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસમાં કુલ 65 કલાકમાં 25 બેઠકોમાં સામેલ થશે. આ પ્રવાસમાં તેઓ આઠ વૈશ્વિક નેતાઓને મળશે. વર્ષ 2022નો આ PM મોદીનો પહેલો વિદેશ પ્રવાસ છે.મારો પ્રવાસ એવા સમયે છે, જ્યારે આ પ્રદેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

PM  મોદી આ પ્રવાસમાં ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓને મળશે. તેઓ એક-એક રાત જર્મની અને ડેન્માર્કમાં રાત્રિ-રોકાણ કરશે. એ પછી તેઓ ફ્રાંસ જઈને ફરી એક વાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા ઇમાન્યુઅલ મેક્રોને મળશે. તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝની સાથે દ્વિપક્ષી વાટાઘાટ યોજશે. PM મોદી અને શોલ્ઝ છઠ્ઠી ભારત-જર્મની ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (IGC)ની અધ્યક્ષતા કરશે. બર્લિન બાદ તેઓ કોપનહેગન જશે. ત્યાં તેઓ ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડા પ્રધાનો સાથેની ઇન્ડિયા-નોર્ડિંક સમિટમાં અધ્યક્ષતા કરશે. તેઓ અહીં ઇન્ડિયા-ડેન્માર્ક બિઝનેસ ફોરમની સાથે-સાથે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. આ પહેલાં પહેલી ભારત નોર્ડિક સમિટ 2018માં સ્ટોકહોમમાં થઈ હતી.

વિદેશ પ્રવાસના છેલ્લા ભાગમાં વડા પ્રધાન મોદી ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રો સાથે વાતચીત કરશે. ભારત અને ફ્રાંસની વચ્ચે આ વર્ષે કૂટનીતિ સંબંધોને 75 વર્ષ પૂરાં થવાનાં છે.