ગંગાના પાણીની ગુણવત્તાની નિયમિત રૂપે દેખરેખ થાયઃ HC

પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇકોર્ટે માઘ મેળાને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓએ કાનપુરમાં અને પ્રયાગરાજમાં ગંગાની પાણીની ગુણવત્તાની નિયમિત નિગરાની રાખવા માટે નિર્દેશ આપ્યા છે. નદીમાં પ્રદૂષણ સંબંધિત એક જનહિત અરજી પર સુનાવણી કરતાં મુખ્ય જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ મનોજકુમાર ગુપ્તા અને જસ્ટિસ અજિતકુમારની –ત્રણ જજોની બનેલી ખંડપીઠે સંબંધિત અધિકારીઓએ માઘ મેળામાં શૌચાલયોમાં ઉત્પન્ન થનારા કચરાને ગંગા અને યમુના નદીઓમાં ના છોડવામાં આવે એ માટે નિર્દેશ આપ્યા છે.

વળી, કોર્ટે આ મેળામાં ઉત્પન્ન થનારા કચરાને મેળના અંતે દૂર કરવામાં આવે અને એને નદીઓમાં ના છોડવામાં આવે, એનું ધ્યાન રાખવાના નિર્દેશો આપ્યા છે. કોર્ટે મેળાના વહીવટી અધિકારીઓએ એ પણ નિર્દેશ આપ્યા છે કે મેળા ક્ષેત્રમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ઠીક તરીકે લાગુ કરવામાં આવે અને એને પણ ગંગા અથવા યમુનામાં ના ફેંકવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટની કાર્યવાહી દરમ્યાન UPના એડવોક્ટ જનરલ અજય કુમાર મિશ્રાએ આશ્વાસન આપ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પ્રયાગરાજના મ્યુનિસિપલ કમિશનર, કાનપુર અને ઉન્નાવના અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી ગંગામાં કોઈ પણ જાતનો કચરો ના ફેંકવામાં આવે.

વળી, તેમણે એ પણ વિશ્વાસ દર્શાવ્યો હતો કે તે બધા વકીલોની સાથે એક બેઠક કરશે, જેમણે જનહિત અરજી કરી છે અને સંબંધિત અધિકારીઓને નક્કર કાર્યવાહી કરશે અને કુંભ મેળા પહેલાં ઘનકચરાના નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરવા પ્રયાસ કરશે. કોર્ટે તેમનું નિવેદન નોંધીને જનહિત અરજી પર આગામી સુનાવણીની તારીખ 19 જાન્યુઆરી નક્કી કરી છે.