PM મોદીએ ‘ગંગા વિલાસ’ ક્રૂઝને બતાવી લીલી ઝંડી

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં વિશ્વના સૌથી મોટા જળમાર્ગ પર ચાલનારા ક્રૂઝને લીલી ઝંડી બતાવી હતી. એ સાથે તેમણે ટેન્ટ સિટીનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ક્રૂઝની યાત્રા આજથી વારાણસીથી શરૂ થઈ ગઈ છે. એમવી ગંગા વિલાસ ક્રૂઝ વિશ્વના સૌથી મોટા જળમાર્ગ પર ચાલનારી ક્રૂઝ છે.

ક્રૂઝના ઉદઘાટન પછી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશીથી ડિબ્રુગઢની વચ્ચે વિશ્વની સૌથી લાંબી નદી જળયાત્રા ગંગા વિલાસ ક્રૂઝનો પ્રારંભ થયો છે. એનાથી પૂર્વ ભારતનાં અનેક પર્યટક સ્થળ વિશ્વ પર્યટન ક્રૂઝમાં આવરી લેવામાં આવશે.

વારણસીના રવિદાસ ઘાટથી ક્રૂઝ 31 પેસેન્જરોને લઈને રવાના થઈ ગઈ છે. બધા પ્રવાસી 51 દિવસની યાત્રા પર નીકળી ચૂક્યા છે. આ દરમ્યાન આ ક્રૂઝ 50 જગ્યાએ થઈને પસાર થશે, જેમાં પ્રવાસીઓને ગંગા કિનારો જ નહીં, પણ અહીં સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે.

ગંગા વિલાસ ક્રૂઝમાં જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ અને લાઇબ્રેરી છે. 40 ક્રૂઝ સભ્યો પણ ક્રૂઝમાં સવાર પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડશે. ગંગા વિલાસ ક્રૂઝમાં 31 પ્રવાસીઓને ફાઇવ સ્ટાર હોટેલથી વધુ સુવિધાઓ મળશે.આ જહાજને ખાસ કરીને વારાણસી અને ગંગા બેલ્ટના ધાર્મિક પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવી છે.

આ યાત્રા કુલ 3200 કિલોમીટરની હશે. 51 દિવસોની આ યાત્રા ભારત અને બંગલાદેશની 27 નદીઓમાંથી પસાર થશે. એ યાત્રા વિશ્વ ધરોહરના 50થી વધુ સ્થળોએ રોકાશે. એ સુંદરબન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક સહિત જળયાન રાષ્ટ્રીય પાર્કો અને અભયારણ્યોમાંથી પણ પસાર થશે.