નકામાં વિચારોને બદલો

આટલી બધી ચર્ચા પછી આપણી ઘણી બધી માન્યતાઓ કે જેના ઉપર આપણું જીવન આધારિત હતું તે એક પછી એક તુટતી જાય છે. આપણે જોયું કે એ ખોટી માન્યતાઓ આપણને ભૂતકાળમાં બાંધી રાખતી હતી તથા આપણે ક્યાંક ને ક્યાંક તે કારણે ભટકી રહ્યા હતા. હવે જૂની માન્યતાઓ તૂટતા જ નવી માન્યતાઓ ઉત્પન્ન થાય છે તથા આપણી બુદ્ધિ સ્થિર થઈ જાય છે. પરેશાની આવતા જ આપણે પોતાનું ચેકિંગ શરૂ કરી દઈએ છીએ. મારે સંકલ્પ પર ધ્યાન રાખી તેનેજ બદલવાના છે. વ્યર્થ સંકલ્પને અનુભવ સુધી નથી લઈ જવાના, નહીં તો અનુભૂતિ ઓછી થઈ જશે. જો આપણે આ પ્રયત્ન સતત ચાલુ રાખીશું તો થોડા સમયમાં જ આપણને અનુભવ થશે કે આપણને આપણા સંકલ્પો અંગે એ રીતે ખબર પડશે કે જેવી રીતે દૂધમાં માખી.

 

જો મને કોઈના થી ઈર્ષા થશે તો મને તે તરત જ ખ્યાલ આવશે. જો મને મનમાં ડર ઉત્પન્ન થાય થશે તો તરત જ તે મને ખબર પડી જશે. જેવું આપણને ખબર પડશે કે તરત જ તેના ઉપર કામ કરવું સરળ બની જશે. આ બાબત આપણે વ્યવહારમાં આવ્યા પહેલાં જ ખબર પડી જાય છે. આપણને સમજમાં આવી ગયું છે કે આપણે શું કરવાનું છે? ઘણા ભાઇ-બહેનો કહે છે કે અમને સમજમાં તો આવી ગયું કે ગુસ્સો ન કરવો જોઈએ, તણાવમાં ન આવવું જોઈએ, ખુશ રહેવું જોઈએ. પરંતુ મારી સામે એવી મોટી બાબત આવી ગઈ કે મારે ગુસ્સો કરવો જ પડ્યો. મારી ખુશીનું લેવલ ત્યાં સુધી પહોંચ્યું નથી. પરંતુ તમે પ્રયત્ન છોડી ન દો.

આપણે અત્યારે યાત્રા પર છીએ, પરિવર્તનની પ્રક્રિયા બરાબર છે. થોડું ધીમુ હોઈ શકે છે પરંતુ રસ્તો બરાબર છે. તો તે પ્રક્રિયાને આપણે સતત ચાલુ રાખવાની છે. આપણે શું કરવાનું છે કે પોતાની અંદર થોડી શક્તિ ભરવાની છે. કારણકે કંઈ પણ કરવા માટે શક્તિ જોઈએ. ધારો કે મને સમજમાં આવી ગયું કે મારે શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે, પરંતુ માટે કસરત પણ કરવી પડશે. તમારા વિચારવાથી કે મારું શરીર સ્વસ્થ બની જાય, એ થશે નહીં તેના માટે મારે નિયમિત કસરત કરવી પડશે તથા સંતુલિત ભોજન લેવું પડશે. આમાં મેડીટેશન ખુબ મોટો રોલ અદા કરી શકે છે. રાજયોગ મેડીટેશન એક પ્રકારની મન અને બુદ્ધિની કસરત છે. પરંતુ જો તેને યથાર્થ રીતે કરવામાં ન આવે તો તેના સારા પરિણામ પ્રાપ્ત નહીં થાય.

મેડીટેશન માટે પણ અનેક માન્યતાઓ બનેલી છે. એક માન્યતા અનુસાર મેડિટેશનમાં એવો પ્રયત્ન કરવામાં આવે છે કે મનમાં કોઈપણ સંકલ્પ ન હોય. બધાને લાગે છે કે આ તો ખૂબ જ સહેલી પદ્ધતિ છે, આમાં કંઈ શીખવાનું તો છે નહીં. ઘર બેઠા પણ આપણે રોજ પ્રયત્ન કરીશું તો આપણું મન વિચારવાનું બંધ કરી દેશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણું મન વિચારવાનું બંધ કરી દે તે શક્ય જ નથી. મનનું કામ છે વિચારવાનું. ધારો કે આપણે વિચારીએ કે મારા મનમાં કોઈ પણ વિચાર ના આવે, આ પણ એક વિચાર જ છે. આપણે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે હું વિચાર રહિત બનવા માટે શા માટે ઇચ્છું છું? આપણે આ માટે પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે જો હું વિચારવાનું બંધ કરી દઈશ તો મને વ્યર્થ વિચારો આવવાના બંધ થઈ જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)