એક ક્લિકથી ઉમેરાશે મતદાર યાદીમાં નામ, ચૂંટણી પંચ લાવી રહ્યું છે એપ્લીકેશન

નવી દિલ્હી- મતદાતાઓ માટે મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું અથવા અગાઉની માહિતીમાં બદલાવ કરવો હવે સરળ પ્રક્રિયા થઈ જશે. આગામી જૂન મહિનાથી હવે આ કામ ઘરે બેઠા એક એપ્લીકેશનના માધ્યમથી કરી શકાશે.ચૂંટણી પ્રક્રિયામાં ડિજિટલાઈઝેશન પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પંચે વેબ આધારિત એપ્લીકેશનનો ઉપયોગ શરુ કર્યો છે. જેના દ્વારા વોટર આઈડી માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઉપરાંત એડ્રેસમાં પરિવર્તન અથવા અન્ય રાજ્યમાં સ્થાયી થવા પર કોઈ પણ ફેરફાર કરાવવા માટે મતદાતાએ ચૂંટણી કાર્યાલય જવાની જરુર નહીં રહે.

વોટર્સ એરોનેટ એપ્લીકેશનના માધ્યમથી મતદાતા ઓળખ સંબંધી સુચનાઓમાં ક્યારેય પણ બદલાવ કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું કે, આ એપ્લીકેશનથી અત્યારસુધીમાં દેશના 22 રાજ્યો જોડાઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત અને હિમાચલપ્રદેશ જ્યાં થોડા મહિના પહેલા જ ચૂંટણી યોજાઈ હતી ત્યાં આ સિસ્ટમ લાગુ કરી શકાઈ નહતી. જે હવે લાગુ કરવામાં આવશે. ઉપરાંત મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

ઓ.પી. રાવતે જણાવ્યું કે, વોટર આઈડીમાં બદલાવ OTP દ્વારા કરવામાં આવશે. જેને મતદારના રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે. નવું એડ્રેસ દાખલ કરાયા બાદ જૂનું એડ્રેસ આપમેળે ડિલીટ થઈ જશે. આ કામ ઘેર બેઠા કરી શકાશે. આ પ્લેટફોર્મ દ્વારા દેશભરના આશરે 7500 ચૂંટણી અધિકારીઓ જોડાશે તેવી શક્યતા છે.

મતદાતા દ્વારા વોટર આઈડી કાર્ડમાં કોઈપણ જાતના બદલાવ કરવા પર ચૂંટણી અધિકારીને SMS દ્વારા એલર્ટ મોકલવામાં આવશે. જેથી આ પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ મતદાર યાદીમાં પારદર્શિતા આવશે અને ડુપ્લિકેટની ઓળખ કરવામાં સરળતા રહેશે કારણકે બધા જ અપડેટ ડિજીટલી કરવામાં આવશે તેમ ઓ.પી. રાવતે જણાવ્યું છે. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મતદાતાના મોબાઈલ પર આવનારો OTP યૂનિક હશે. જે ઓનલાઈન મોનિટરિંગ ટ્રાન્ઝેક્શન દરમિયાન મળતા OTP જેવો હશે.