ચૂંટણી કાર્ડનો ડેટા પણ સુરક્ષિત નથી, ફક્ત 50 પૈસામાં વેચાઈ રહી છે માહિતી

નવી દિલ્હી- દેશમાં નાગરિકોની ખાનગી માહિતીના ડેટાની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક છે. આધાર કાર્ડ ડેટા લીક થયાની ખબરો બાદ હવે નવી જાણકારી સામે આવી રહી છે. તે મુજબ વોટર આઈડી કાર્ડની માહિતી પણ વેંચવામાં આવી રહી છે. અને તે પણ પ્રતિ કાર્ડ માત્ર 50 પૈસાથી લઈને 2.50 રુપિયાની સામાન્ય કીમતે.દેશમાં નાગરિકોના ખાનગી ડેટાની સુરક્ષાને લઈને સ્થિતિ એટલીહદે ચિંતાજનક છે કે, હેકર્સ કોમ્પ્યુટર્સ પર થોડા કમાંડ આપીને લોકોના ચૂંટણી કાર્ડ સાથે જોડાયેલી માહિતી મેળવી શકે છે. જેમાં તેમનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ સહિતની માહિતીનો સમાવેશ થાય છે.

એક તરફ દેશમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની અગત્યતા વધી રહી છે ત્યારે આવા ડોક્યૂમેન્ટ્સને બેન્ક સાથે અને અન્ય નાણાકીય વ્યવહારો સાથે જોડ્યા બાદ તેની માહિતી લીક થવી એ જોખમી બની શકે છે. ઈથિકલ હેકર્સના સંગઠન ઈન્ડિયન સાઈબર આર્મીના ચેરમેનના જણાવ્યા મુજબ લોકોના ખાનગી ડેટા સુધી હેકર્સ પહોંચ્યા બાદ તેઓ સાઈબર અપરાધિઓને અથવા અન્ય કોઈને પણ લોકોની માહિતી વેચી શકે છે.

સરકારની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ?

સાઈબર એક્સપર્ટના જણાવ્યા મુજબ કોઈપણ મતદાતાનું નામ, તેના પિતાનું નામ, ઉંમર અને તેના ક્ષેત્રની માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મેળવી શકાય છે. પરંતુ હેકર્સ એવી ખાનગી માહિતીપણ મેળવે છે જે સાર્વજનિક નથી હોતી. સાઈબર એક્સપર્ટે કહ્યું કે, સરકાર લોકોની ખાનગી માહિતી સાચવવા માટે જે એપ્લીકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસનો (API) ઉપયોગ કરે છે, તે સરળતાથી હેક કરી શકાય છે અને 100 ટકા સુરક્ષિત નથી. આ પ્રકારના સરળતાથી ઉપલબ્ધ આંકડાઓને કારણે સાઈબર ક્રાઈમ અને ફ્રોડ નાણાકીય વ્યવહારને પ્રોત્સાહન મળે છે.