ચૂંટણી પહેલાં હિમાચલ પ્રદેશ, ગુજરાતમાં રેકોર્ડ રોકડ-દારૂ જપ્ત

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની ચૂંટણી 12 નવેમ્બરે યોજાવાની છે અને ગુજરાતની ચૂંટણીમાં મતદાન પહેલી અને પાંચમી ડિસેમ્બરે થવાનું છે, ત્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં રેકોર્ડ રૂ.122 કરોડની- રોકડ, દારૂ અને મફતની ચીજવસ્તુઓને જપ્ત કરવામાં આવી છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.

ગુજરાત ચૂંટણીની ઘોષણા કરવામાં આવી એના થોડા દિવસોમાં રૂ. 71.88 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા, જે 2017ની ચૂંટણીમાં આચારસંહિતા લાગુ કરવાના સમયમાં પણ રૂ. 27.21 કરોડ જપ્તીથી આશરે અઢી ગણી વધુ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 2017ની તુલનાએ પાંચ ગણી રકમ જપ્ત કરવામાં આવી હતી. હિમાચલમાં 2017ના રૂ. 9.03 કરોડની તુલનાએ રૂ. 50.28 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા, એમ પંચે કહ્યું હતું.

સત્તાવાળાઓએ હિમાચલમાં કુલ રૂ. 50.28 કરોડમાં –રૂ. 17.18 કરોડની રોકડ, રૂ. 17.50 કરોડનો દારૂ અથવા 9.72 લાખ લિટર, રૂ. 1.20 કરોડનું ડ્રગ્સ રૂ. 13.99 કરોડની કીમતી ધાતુઓ અને અન્ય રૂ. 41 લાખની મફતની ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.

આ સાથે સત્તાવાળાઓએ ગુજરાતમાં રૂ.71.88 કરોડમાંથી રૂ. 66 લાખની રોકડ, રૂ. 3.86 કરોડ અથવા 1.09 લાખ લિટર દારૂ, રૂ. 94 લાખની કીમતી ધાતુઓ, રૂ. 1.86 કરોડ અને રૂ. 64.56  અન્ય મફતની ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.  ગુજરાતમાં ચૂંટણીમાં નાણાંના દુરુપયોગને રોકવા માટે ચૂંટણી પંચે 69 ખર્ચ નિરીક્ષકોને તહેનાત કર્યા છે અને રાજ્યમાં 27 ચૂંટણી કવિસ્તારોને ખર્ચ સંવેદનશીલ વિસ્તારો તરીકે ઓળખી કાઢ્યાં છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 23 ખર્ચ નિરીક્ષકોને તહેનાત કર્યા હતા. આ નિરીક્ષકો ચૂંટણીમાં ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.