રૂ.2000ની કરન્સી નોટ વ્યવહારમાંથી હટાવી લેવાશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લેવા વિશે આજે જાહેરાત કરી છે. પરંતુ આ નોટ હાલ અમાન્ય નહીં થાય. બજારમાં એ કાનૂની મુદ્રા (લીગલ ટેન્ડર) તરીકે ચાલુ રહેશે, પણ આરબીઆઈએ બેન્કોને આદેશ આપ્યો છે કે એમણે હવે 2000ની નોટ ઈશ્યૂ કરવી નહીં.

જેમની પાસે આ નોટ હોય તેઓ યાદ રાખે કે આ નોટ બેન્કમાં જમા કરવા કે બદલવાની પ્રક્રિયા 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કોઈ પણ બેન્ક અને રિઝર્વ બેન્કમાં આ નોટ બદલી શકાશે. એકસાથે વધુમાં વધુ 10 નોટ જ બદલવાની સુવિધા છે. 30 સપ્ટેમ્બર પછી આ નોટ અમાન્ય થઈ શકે છે.