મુંબઈઃ મુંબઈના સાકીનાકામાં શુક્રવારે સવારે એક ટેમ્પામાં બળાત્કાર અને મારપીટની પીડિત મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સાકીનાકામાં 32 વર્ષીય એક મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના પ્રાઇવેટ અંગોમાં રોડ નાખવામાં આવ્યો હતો, જે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસે આ મામલે મોહન ચૌહાણ (45)ની ધરપકડ કરી છે.
શુક્રવારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ખૈરાની રોડ પર એક વ્યક્તિ મહિલાની મારપીટ કરી રહી છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે લોહીથી લથપથ મહિલા હતી, જેને નગર નિગમ સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ અનુસાર મહિલાની સાથે બળાત્કાર કર્યો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટ્સમાં લોખંડનો રોડથી હુમલો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે એ ઘટના રસ્તાના કિનારે ઊભેલા એક ટેમ્પોમાં અંદર થઈ હતી. વાહનની અંદર લોહીના ડાઘ મળ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનાના CCTV ફુટેજમાં નજરે પડી રહ્યું છે કે દુષ્કર્મ પછી આરોપીએ મહિલાને સળિયાથી ગંભીર રીતે ઇજા પહોંચાડે છે. ત્યાર બાદ તે તેને ગંભીર સ્થિતિમાં પિક-અપ વાનમાં ફેંકી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ જ ફુટેજના આધારે આરોપી મોહન ચૌહાણ (45)ની ધરપકડ કરવામાં આવી છે. સાકીનાકા પોલીસ સ્ટેશનના સીપીઆઈ બળવંત જાધવે જણાવ્યું હતું કે આરોપી ચૌહાણને સજા અપાવવામાં સીસીટીવી ફુટેજ નિર્ણાયક પુરવાર થશે. આરોપીને પકડ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી. ત્યાર બાદ વિડિયો ફુટેજ બતાવ્યા હતા અને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.