રાજ્યના CM વિજય રૂપાણીનું રાજીનામું: રાજકીય ગરમાવો  

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપ્યું છે. જેથી રાજ્યના રાજકારણમાં એકાએક ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બી. એલ. સંતોષ અચાનક રાજ્યની મુલાકાતે છે. રૂપાણીએ બપોરે ત્રણ કલાકે રાજભવનમાં રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા,એ પછી તેમના રાજીનામાના સમાચાર પ્રસર્યા હતા. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં તેમના રાજીનામાથી રાજકારણમાં ઊથલપાથલ મચી ગઈ છે. તેમના ઉત્તરાધિકારીને લઈને પણ અટકળો તેજ થવા માંડી છે.

મહામંત્રી બી. એલ. સંતોષે પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક  યોજી છે. પાટીલ સાથે અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

રૂપાણીએ રાજભવનમાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું હતું કે આ રાજીનામું મેં મારી રાજીખુશીથી આપ્યું છે. હું ભાજપના ટોચના મોવડીમંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરું છું. મેં મુખ્ય પ્રધાન તરીકે તમામ જવાબદારી સંભાળી છે. હું ભાજપનો જ માણસ છું અને કાર્યકર્તા તરીકે આગળ કામ કરતો રહીશ. તેમણે સૌને મિચ્છા મિ દુક્કડમ કહ્યા હતા. મારા જેવા સામાન્ય માણસને મુખ્ય પ્રધાન બનવાની તક આપી, નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના મુખ્ય પ્રધાનપદે વિજય રૂપાણી પાંચ વર્ષ અને 36 દિવસ સુધી રહ્યા હતા. તેઓ રાજ્યમાં 16મા મુખ્ય પ્રધાન હતા. રૂપાણીના રાજીનામા પછી રાજ્યમાં મુખ્ય પ્રધાનની રેસમાં પાંચ નેતાઓ છે, જેમાં સૌથી પહેલું નામ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ છે, એ પછી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા અને સી. આર. પાટીલનું નામ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યમાં નવા મુખ્ય પ્રધાનનું નામ 24 કલાકમાં નક્કી થાય એવી સંભાવના છે.  કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે.