નવી દિલ્હી- વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલાં દેશમાં ફરી એકવાર રામ મંદિરના નિર્માણનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. એક તરફ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ આ અંગે સતત રાજકીય નિવેદનો આવી રહ્યાં છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે અધ્યાદેશ લાવવા અથવા કાયદો બનાવવા પોતાની માગણી ફરી દોહરાવી છે. RSSના સંયુક્ત મહાસચિવ મનમોહન વૈદ્યએ જણાવ્યું કે, રામ મંદિરનું નિર્માણ એ રાષ્ટ્રીય ગૌરવની બાબત છે અને અત્યાર સુધી અયોધ્યા વિવાદનો ઉકેલ કોર્ટમાં મળી શક્યો નથી.
ડોક્ટર મનમોહન વૈદ્યએ જણાવ્યું હતું કે, હવે સરકારે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ સંપાદન કરીને મંદિરનું કામ શરુ કરવું જોઈએ અને રાષ્ટ્રના ગૌરવને પુનઃસ્થાપિત કરવું જોઈએ. મનમોહન વૈદ્યની આ ટિપ્પણી રાષ્ટ્રીય સ્વયંસંવક સંઘના ત્રણ દિવસના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના પગલે આવી છે. જેનું ઉદઘાટન RSSના વડા મોહન ભાગવત દ્વારા કરવામાં આવ્યું હતું.