દિલ્હીમાં પ્રદૂષણથી લોકોને બચાવવા મેટ્રોનો નવો નિર્ણય

નવી દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં ખરાબ થઈ રહેલી હવાની ગુણવત્તા અને પ્રદૂષણથી લોકોને રાહત આપવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય લીધો છે.દિલ્હી મેટ્રોએ પોતાના નેટવર્કમાં વધારે 21 ટ્રેનનો સમાવેશ કર્યો છે. જેના લીધે મેટ્રો ટ્રેનના દરરોજ 812 ફેરા વધી જશે. જોકે આ સ્થિતિમાં સ્મોગ અને ધૂળથી બચવા વધુ સંખ્યામાં લોકો માર્ગ પરિવહન છોડીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

ઉપરોક્ત ટ્રેનમાં 14 એવી ટ્રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ત્રિલોકપુરી, સંજય લેક થઈને શિવ વિહાર સુધી ચાલશે. આ લાઈન જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવું પ્રથમ વખત થશે જ્યારે DMRCની ટ્રેન એક દિવસમાં 4831 ફેરા આક દિવસમાં ચલાવશે. આ અત્યાર સુધીના સૌથી મોટા આંકડા હશે.

વધુમાં દિલ્હીની ઝેરી બનતી જતી પ્રદૂષિત હવાથી ચિંતિત નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (NGT) દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરકારને જણાવ્યું છે કે, તેઓ કૃષિ પાકના વધેલા પૂળા સળગાવતા ખેડૂતોને રોકવામાં મદદ કરે અને ખેડૂતોને આ માટે જરૂરી મશીનો ઉપલબ્ધ કરાવે. એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજ્ય સરકારને ટ્રિબ્યૂનલના દિશા-નિર્દેશનો કડક અમલ કરાવવાના આદેશ જારી કર્યા છે.