રાજ્યસભામાં માર્શલના નવા ડ્રેસનો વિરોધ: પુનઃ વિચાર કરાશે

નવી દિલ્હી: રાજ્યસભાના ઐતિહાસિક 250મા સત્રના પહેલા દિવસે એક મોટો બદલાવ જોવા મળ્યો હતો. સદનમાં ચેરમેનની ખુરશીની પાછળ ઊભા રહેનારા માર્શલ સેના જેવા યૂનિફોર્મમાં જોવા મળ્યા. આ પહેલાં આ માર્શલ બંધ ગળાના શર્ટ અને સાફા સાથે જોવા મળતા હતા. માર્શલોના નવા ડ્રેસ વિશે સેના, પૂર્વ પ્રમુખો અને નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. સૈન્ય ઓફિસરોનું કહેવું છે કે, આ ડ્રેસ આર્મીના બ્રિગેડિયર રેન્ક અને તેમના ઉપરની કેટેગેરીના ઓફિસરોને મળતા ડ્રેસ જેવો છે. આ ડાર્ક બ્લૂ કલરના ડ્રેસમાં રાજ્યસભાના માર્શલ કેપ પહેરીને જોવા મળ્યા છે. જ્યારે જૂના ડ્રેસનો કલર ક્રિમ હતો અને માર્શલ પારંપારિક પાઘડી પહેરતા હતા.

માર્શલોના ડ્રેસના વિરોધ બાદ આજે રાજ્યસભાની કાર્યવાહી દરમ્યાન સભાપતિ વેકૈયા નાયડુએ સભ્યોના વિરોધને ધ્યાનમાં રાખતા આના પર ફરીથી વિચાર કરવાનું આશ્વાસન આપ્યું. સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, રાજ્યસભા સેક્રેટેરિયટે કેટલાક સૂચનો મેળવ્યા બાદ માર્શલોની વર્દી બદલવામાં આવી હતી. કેટલાક સભ્યો અને અન્ય ગણમાન્ય લોકો પાસેથી પણ મને આ નવા ડ્રેસને લઈને કેટલાક લોકોની આપત્તિની સૂચના મળી છે. હું જણાવવા માગુ છું કે, સેક્રેટેરિયટને મેં એક વખત ફરીથી નવા ડ્રેસના નિર્ણય સાથે જોડાયેલી ટિપ્પણીઓને શેર કરી છે અને વિચાર કરવા કહ્યું છે.

પૂર્વ સેના પ્રમુખ જનરલ વીપી મલિકે ટ્વિટ કર્યું છે કે, મિલેટ્રી યૂનિફોર્મની નકલ કરવી અને કોઈ બિન સૈન્ય કર્મચારી દ્વારા આ ડ્રેસનું પહેરવું ગેરકાયદેસર છે. આ સુરક્ષા વ્યવસ્થા માટે જોખમ છે. આશા છે કે, ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાજ્યસભા સચિવાલય દ્વારા ટૂંક સમયમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે પણ માર્શલોનો ડ્રેસ આર્મી જેવો રાખવો ખોટી વાત છે.

વર્ષ 1950 પછી પ્રથમ વખત થયો ફેરફાર

રાજ્યસભાના સૂત્રોના આધારે માર્શલના યૂનિફોર્મમાં છેલ્લે 1950માં પરિવર્તન આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં આ પહેલો બદલાવ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના મીડિયા સલાહકાર રાવે જણાવ્યું છે કે કોઈ બદલાવ વિના લાંબો સમય વીતી ચૂક્યો છે અને આ માટે ઉપરાષ્ટ્રપતિએ વિચાર્યું કે હવે આ કામ કરવું જોઈએ.

કોણ હોય છે માર્શલ અને શું હોય છે તેમનું કામ

સ્પીકરની ડાબી તરફ ઊભેલી વ્યક્તિ માર્શલ હોય છે અને જમણી તરફ ઊભેલી વ્યક્તિ ડેપ્યુટી માર્શલ. લોકોને લાગે છે કે તેમનું કામ ચેયરના આદેશ પર સદસ્યોને બહાર કરવું અને કોઈ ને સ્પીકર સુધી પહોંચવાથી રોકવાનું હોય છે. જો તમે પણ આવું વિચારો છો તો તે ખોટું છે. માર્શલ સંસદ ચલાવવામાં સ્પીકરની મદદમાં મહત્વના રહે છે. તેમની પસંદગીમાં સંસદના નિયમો અને પ્રક્રિયાને લઈને તેના જ્ઞાનને પારખે છે. તો પ્રશ્ન એ છે કે સાંસદને બહાર લઈ કોણ જાય છે. એ કામ વોર્ડ અધિકારીનું હોય છે.