રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ઉમેદવારો ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી

નવી દિલ્હીઃ રાજ્યસભાની 56 સીટોમાંથી 41 સીટો પર ઉમેદવારોની પસંદગી નિર્વિરોધ થઈ છે, પણ ત્રણ રાજ્યોની 15 સીટો પર વધારાના ઉમેદવારોની ઘોષણા કરીને ભાજપે પેચ ફસાવ્યો છે. આ 15 સીટોમાં સૌથી વધુ 10 સીટો UPમાં છે, કર્ણાટકની ચાર અને હિમાચલ પ્રદેશની એક સીટ પર મંગળવારે વિધાનસભ્યો મતદાન કરશે. ભાજપના આ પગલાથી વિરોધ પક્ષોમાં અફરાતફરી મચી છે.

દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 10 સીટો માટે 11 ઉમેદવારો મેદાનમાં છે., એમાંથી નવ સીટો પર સ્થિતિ સ્પષ્ટ છે, પરંતુ 10મી સીટ પર સસ્પેન્સ છે. UP વિધાનસભાની 403 સીટો છે, પરંતુ હાલ વિધાનસભામાં 399 સભ્યો છે, એમાં ભાજપની પાસે 252 અને NDAની પાસે 277 વિધાનસભ્યો છે, જ્યારે SP પાસે 108 છે અને ઇન્ડિયા ગઠબંધનની મળીને 110 સીટો થાય છે. અહીંથી જીતવા માટે એક ઉમેદવારને 37 વિધાનસભ્યોની પહેલી પ્રાથમિકતાવાળા મત જોઈએ.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 વિધાનસભ્યો છે, અહીં રાજ્યસભાની સીટ જીતવા માટે ઉમેદવારને 35 વિધાનસભ્યોના મતોની જરૂર હશે. કોંગ્રેસની પાસે 40 છે અને ભાજપની પાસે 25 વિધાનસભ્યો છે અહીંથી જીત નોંધાવા માટે દૂર હોવા છતાં ભાજપે ઉમેદવારને ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે. કોંગ્રેસે વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીને ઉતાર્યા છે, જ્યારે ભાજપે સિંઘવીની વિરુદ્ધ હર્ષ મહાજનને ઉતાર્યા છે.

કર્ણાટકની ચાર સીટો માટે પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કર્ણાટક વિધાનસભ્યોમાં હાલ કુલ 223 સભ્યો છે. અહીં એક ઉમેદવારને જીત માટે 45 મતોની જરૂર છે. કર્ણાટકમાં ભાજપની પાસે 66 વિધાનસભ્યો છે અને એણે એક ઉમેદવાર ઉતાર્યો છે, જ્યારે એચડી કુમારસ્વામીની પાર્ટી જેડી-એસના 19 વિધાનસભ્યો છે અને ભાજપના સમર્થન પછી એમના વિધાનસભ્યોની કુલ સંખ્યા 85એ પહોંચે છે. જેડી-એસે પણ એક ઉમેદવાર ઉતાર્યો છે.