PM મોદીએ દેશના અનેક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રૂ. 41,000 કરોડથી વધુની કિંમતના લગભગ 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે કેટલાક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કર્યા. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર આ સ્ટેશનો શહેરની બે બાજુઓને એકસાથે લાવીને ‘શહેરના કેન્દ્ર’ તરીકે કામ કરશે. આ સ્ટેશનો પર સુંદર લેન્ડસ્કેપ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ સહિતની આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આ સ્ટેશનોનો પુનઃવિકાસ પર્યાવરણ અને વિકલાંગ મૈત્રીપૂર્ણ રીતે કરવામાં આવશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. અંદાજે રૂ. 385 કરોડના કુલ ખર્ચે તેનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે.

આ સિવાય વડાપ્રધાને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ કર્યો અને તેમાંથી કેટલાક રાષ્ટ્રને સમર્પિત પણ કર્યા. આ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે. આ પ્રોજેક્ટ્સ અંદાજે રૂ. 21,520 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે અને રેલ મુસાફરીની ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો કરશે.