વડોદરા, દાદર-સહિત 16-સ્ટેશનોનું રીડેવલપમેન્ટઃ રેલવે બોલી લગાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ દેશમાં 16 સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે હાથ ધરાશે. એ માટે રેલવે તંત્ર ટેન્ડર માટે આગામી બે મહિનામાં જ બોલી લગાવશે. ઈચ્છુક કંપનીઓને તેમાં ભાગ લેવા આમંત્રણ અપાશે.

રેલવેએ આ સ્ટેશનોનું રીડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છેઃ વડોદરા, દાદર, અંધેરી, કલ્યાણ, થાણે, પુણે, તાંબરમ (ચેન્નાઈ), વિજયવાડા, કોઈમ્બતુર જંક્શન, બેંગલોર સિટી, ભોપાલ, ચેન્નાઈ સેન્ટ્રલ, દિલ્હી હઝરત નિઝામુદ્દીન અને અવાડી (ચેન્નાઈ), આનંદ વિહાર ટર્મિનલ. સરકારે અમદાવાદ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, નવી દિલ્હી સ્ટેશનોનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ કરવાનું પણ નક્કી કર્યું છે.

આ સ્ટેશનો પર પ્રવાસી સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. વિશાળ કદવાળા રૂફ પ્લાઝા બનાવવામાં આવશે, જેમાં રીટેલ પ્રવૃત્તિઓ, કેફેટેરિયા, મનોરંજનની સુવિધાઓનો સમાવેશ કરાશે. આને કારણે પ્લેટફોર્મ ટિકિટના દર વધવાની શક્યતા રહેશે.