મોઢેરા બન્યું દેશનું-પ્રથમ ‘સૂર્યગ્રામ’; મોદીજીએ કર્યું લોકાર્પણ

મોઢેરા (ગુજરાત):  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતના પ્રથમ ‘રાઉન્ડ ધ ક્લોક’ સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે આજે જાહેર કર્યું છે. ભવ્ય સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા ગામ દેશનું પ્રથમ 24×7 સૌર ઊર્જા સંચાલિત ગામ બન્યું છે. આ પ્રસંગે પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણા દેશના ભવ્ય વારસા સાથે નવી ટેક્નોલોજીને જોડવા માટે મોઢેરા સમગ્ર રાષ્ટ્ર માટે એક ઉદાહરણ બની ગયું છે. આજે મોઢેરા, મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જાનો સંચાર થયો છે.’

મોદીએ વધુમાં કહ્યું કે, ‘આપણું મહેસાણા દવા, પ્લાસ્ટિક, સીમેન્ટ અને એન્જીનિયરિંગના ઉદ્યોગો માટે ઊર્જાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. મોઢેરા સૂર્યમંદિરની સાથે સાથે હવે ‘સૂર્યગ્રામ’ તરીકે પણ ઓળખાશે. હવે જ્યારે દુનિયામાં સૌર ઊર્જાની વાત થશે ત્યારે મોઢેરાનું નામ પહેલાં લેવામાં આવશે. છેલ્લા કેટલાંક દિવસોથી સમગ્ર દેશમાં સૂર્યા ગ્રામ અને મોઢેરા અંગે ચર્ચા ચાલી રહી છે. કોઈ કહે છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આપણી આંખો સામે સપનું સાકાર થઈ શકે છે. આજે સપનું સાકાર થતું આપણે જોઈ રહ્યા છીએ.’

મોઢેરામાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પાવર પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. વીજળી ઉત્પાદન માટે ગામના દરેક ઘરની છત પર એક કિલોવેટ ક્ષમતાનની સોલર પેનલ અને સોલર સિસ્ટમ બેસાડવામાં આવી છે. આ બધી સૌર્ય યંત્રણા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)થી જોડાયેલી છે. મોઢેરા સૂર્યગ્રામ બનતાં અહીંના દરેક ઘરોનાં વીજળી બિલમાં 60-100 ટકાની બચત થશે.

મોદીજીએ આજે મહેસાણા જિલ્લામાં રૂ. 3,900 કરોડના મૂલ્યની બહુવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સમર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]