પીએમના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યા સવાલો

નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં ભારત ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા એક ટ્વીટ કરીને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મોદી સરકારને સવાલ પૂછતા ટ્વીટ કર્યું છે કે, વડાપ્રધાને ભારતીય ક્ષેત્રને ચીન સામે આત્મસમર્પણ કરી દીધું છે. જો જમીન ચીનની હતી તો પછી આપણા જવાનો શા માટે શહિદ થયા. તેમના પર કઈ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ આ ટ્વીટ વડાપ્રધાન મોદીના એ નિવેદન બાદ આપ્યું છે કે જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ન ત્યાં કોઈ આપણી બોર્ડરમાં ઘુસ્યું છે અને ન તો આપણી કોઈ પોસ્ટ તેમણે કબ્જે કરી છે. આજે આપણી પાસે એટલી ક્ષમતા છે કે, કોઈપણ આપણી એક ઈંચ જમીનની તરફ આંખ ઉઠાવીને જોઈ પણ શકે નહી.

આ પહેલા રાહુલ ગાંધીએ “કોણ જવાબદાર છે” એ કેપ્શન લખતા પોતાના એક વિડીયોમાં પૂછ્યું હતું કે, ભાઈઓ અને બહેનો ચીને ભારતના શસ્ત્રહિન સૈનિકોને શહિદ કરીને એક મોટો ગુનો કર્યો છે. હું પૂછવા માંગું છું કે, આ વીરોને હથીયાર વગર સંકટ તરફ કોણે મોકલ્યા? અને કેમ મોકલ્યા?. કોણ જવાબદાર છે.